ગાંધીધામના વેપારી સાથે રૂ. 99 હજારની ઓનલાઈન ઠગાઇ

ગાંધીધામ, સુરક્ષા એજન્સીના પ્રતિનિધિના નામે ગાંધીધામના વેપારી સાથે રૂ.99 હજારની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો બનાવ સ્થાનિક એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયો હતો. શહેરમાં ખાદ્યતેલના ટેડિંગના વેપાર સાથે જોડાયેલા હરીનભાઈ કનુભાઈ વ્યાસની ફરિયાદને ટાંકીને પોલીસે કહ્યં હતું કે, ફરિયાદીએ ગત તા. 3-2ના તેલ વેચાણ અંગે સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકી હતી. જેને જોઈને જામનગર મિલિટ્રી કેન્ટીનમાંથી મનજીતસિંગ વાત કરું છું તેવી ખોટી ઓળખ આપી અજાણ્યા ઇસમે ફોન કરી ચાર તેલના ડબ્બા ખરીદવાનું હોવાનું જણાવ્યું હતું. ભેજાંબાજે ડબ્બા પેટેના નાણા ચૂકવવા માટે વોટસએપમાં એક રૂપિયાનો કયુઆર કોડ મોકલું છું, જેનો સ્વીકાર કરો એટલે તમારા ખાતામાં એક રૂપિયો જમા થશે તેવી વાતો કરી હતી. ફરિયાદીના ગૂગલ પે સાથે લિન્કવાળા ખાતામાંથી પ્રથમ વખત 12 હજાર, બીજી વખત 24 હજાર, ત્રીજી અને ચોથી વખત 36000-27000 સાથે કુલ રૂ.99 હજારની ઓનલાઈન ઉઠાંતરી કરી હતી. છેતરપિંડીનો ભોગ બનાનારા આ વેપારીએ નાણાં ઊપડી ગયા હોવાનું કહેતાં મનજીતસિંગ નામના ઇસમે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે ભૂલથી ઊપડી ગયા છે. જામનગર મિલિટ્રી એરિયા આર્મી કેન્ટોન્મેન્ટમાં આવો રૂબરૂ રોકડા નાણાં આપી દઈશ. ત્યારબાદ ફરિયાદી જામનગર નિયત સ્થળે પહોંચતાં આવી કોઈ વ્યક્તિ ન હોવાનું બહાર આવ્યું હતું. વેપારીને આરોપીએ મો. 89260 92470 તથા મો. 88228 54308 ઉપરથી ફોન કર્યો હોવાનું ફરિયાદમાં વર્ણવવામાં આવ્યું છે. પોલીસે અજાણ્યા ઇસમો સામે ભારતીય દંડસંહિતા તથા આઈ.ટી. એકટના કાયદા તળે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.