મેઘપર બોરીચીમાં બંધ મકાનને નિશાન બનાવી 1.33 લાખની તસ્કરી
અંજાર તાલુકાના મેઘપર બોરીચીની અંબિકા ટાઉનશિપ સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી ધોળા દિવસે તેમાંથી રૂ.1,33,000ના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી લઈ ગયા હતા. અંબિકા ટાઉનશિપ સોસાયટીના મકાન નંબર 186માં તસ્કરોએ ખાતર પાડયું હતું. આ મકાનમાં રહેતા અને ગાંધીધામની અવાના શિપિંગમાં કામ કરતા સુનીલકુમાર સિવન પિલ્લાઈ નાયરે તસ્કરીના આ બનાવ દઅંગે ગઈકાલે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદીના પત્ની ચિન્ચુબેન સેવી સ્કૂલમાં શિક્ષિકા છે તથા બે દીકરી આદિપુરની સેન્ટ ઝેવિયર્સ શાળામાં અભ્યાસ કરે છે. ગત તા. 23/2ના તેમના પત્ની પોતાની શાળાએ તથા બાળકીઓ પોતાની શાળાએ ગઈ હતી. બાદમાં સવારના અરસામાં આ ફરિયાદી પોતાના કામે ગયા હતા. બપોરના અરસામાં તેમના પત્ની શાળાએથી પરત આવતાં તેમના બંધ મકાનના તાળા તૂટેલા જણાયા હતા. આ મહિલાએ પોતાના પત્નીને ફોન કરતાં તેઓ પરત ઘરે આવી ગયા હતા. ગઈકાલે લખાવેલી આ ફરિયાદ સંદર્ભે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ઘરના તાળા તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. અંદરના બે બેડરૂમમાં જઈ સરસામાન વેરવિખેર કર્યો હતો અને બાદમાં બે કબાટના તાળા તોડી તિજોરીમાંથી સોનાની ચાર ચેઈન, હાથમાં પહેરવાની ચાંદીની બંગડી જોડ નંગ-1, સોનાની પાંચ વીંટી, કાનમાં પહેરવાના સોનાના કાથડા જોડી નંગ-3, પગમાં પહેરવાની ચાંદીની ઝાંઝર જોડી નંગ-બે, કમરમાં પહેરવાના ચાંદીના પટ્ટા નંગ-બે, આમ સોનાચાંદીના 261 ગ્રામના દાગીના કિંમત રૂ.1,33,000ની મતાની તસ્કરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. સવાર થી બપોરના અરસામાં ધોળા દિવસે થયેલી ઘરફોડ તસ્કરીના આ બનાવને કારણે ભારે ચકચાર પ્રસરી હતી. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.