ગાંધીધામ : એ.ટી.એમ.માં તોડફોડ કરી તસ્કરીનો પ્રયાસ કરનારા બે શખ્સો ઝડપાયા
ગાંધીધામ, શહેરના લીલાશાહ સર્કલ નજીક ખાનગી બેન્કના એટીએમ ત્રિકમ વડે તોડી તેમાંથી પૈસા તસ્કરી કરવાની કોશિશ કરનારા બે ઇસમોને એલસીબીએ ઝડપી લીધા હતા. શહેરના લીલાશાહ સર્કલમાં પ્લોટ નંબર 628 12-સીમાં આઇ.સી.આઇ.સી.આઈ. બેન્કનું એટીએમ આવેલું છે. આ એટીએમની કેબિનમાં ગત મોડી રાત્રિના અરસામાં બે ઇસમો ઘૂસ્યા હતા. આ નિશાચરોએ એટીએમના કેશ શટરને ત્રિકમ વડે તોડી તેમાંથી પૈસા તસ્કરી કરી જવાનો પ્રયાસ કર્યો હતો. પૈસા ન નીકળતાં આ ઇસમોએ એટીએમમાં તોડફોડ કરી હતી. તેમજ કેબિન બહાર રહેલા સીસી ટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. આ ઇસમોએ રૂ.15,000 નું નુકસાન પહોંચાડયું હતું. આ ઇસમોની તમામ હરકત સીસી ટીવી કેમેરામાં આવી ગઇ હતી. આ બનાવ અંગે એ.જી.એસ. ટ્રાન્જેક્ટ ટેકનોલોજી બી.વી.આર. ઇ.કે. કંપનીના રાજેશ પાંચા ખુંગલા (આહીર)એ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. એટીએમમાં તોડફોડ અને તસ્કરીના પ્રયાસના આ બનાવને પગલે એલસીબીની જુદી જુદી ટીમો દોડધામમાં મુકાઇ હતી અને એટીએમને તોડતી વખતે સાયરન વાગતાં નાસી જનાર આ ઇસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. સી.જે. શાહ પેટ્રોલપમ્પ પાછળ ખોડિયાર નગર બાજુ જતા માર્ગ પરથી મૂળ પાટણ રાધનપુર અને હાલમાં જવાહરનગરમાં’ રહેતા પ્રકાશ વાલજી માજીરાણા તથ મહેશ દરચંદ માજીરાણાને એલસીબીએ ઝડપી લીધા હતા. આ ઇસમોની પૂછપરછ કરાતાં તેમણે ગત રાત્રિના અરસામાં એટીએમવાળા બનાવને અંજામ આપ્યો હોવાની કેફિયત આપી હતી. આ કાર્યવાહીમાં એલસીબી પી.આઇ. ડી.પી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. એન. સોલંકી તથા સ્ટાફ જોડાયો હતો.