આદિપુરના એક બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો રૂ.74,000 ના બે ટીવી ચોરી કરી
આદિપુરના વોર્ડ-4-બી વંદના સોસાયટીમાં આવેલા એક બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો તેમાંથી રૂ.74,000 ના બે ટીવીની તસ્કરી કરી ગયા હતા. આદિપુરની વંદના સોસાયટી પ્લોટ નંબર 139માં રહેતા અને ડીપીએમાં ટીઓસી તરીકે ફરજ બજાવતા આનંદ રતિલાલ જોલાપુરાએ તસ્કરીના આ બનાવ અંગે ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદીના સાસુ બીમાર હોવાથી તેઓ પરિવાર સાથે ગત તા. 24/2ના આણંદ ખાતે ગયા હતા. તેઓ આણંદ હતા. ત્યારે’ ગત તા. 26/2ના સાંજના અરસામાં તેમના ભાઇ દીપકે ફોન કરી તેમના ઘરના તાળા તૂટેલા હોવાની અને ઘરમાં તસ્કરી થઇ ગઇ હોવાની જાણ કરી હતી. પોલીસના ચોપડે લખાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે કહ્યું હતું કે, ગત તા. 24થી 26ના સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. તસ્કરો આ મકાનના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા અને અંદર સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેમને અન્ય કાંઇ હાથમાં ન આવતાં હોલમાંથી 43 ઇંચનું સ્માર્ટ ટીવી તથા બેડરૂમમાંથી 32 ઇંચનું એલસીડી ટીવી એમ કુલ રૂ.74,000 ના બે ટીવીની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. ગઇકાલે રાત્રિના અરસામાં આ બનાવ પોલીસના ચોપડે નોંધાયા બાદ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.