શંખેશ્વરના રતનપુરામાં ખેડૂતના બંધ મકાનમાંથી 43 હજારની માલમતાની તસ્કરી

પાટણ, શંખેશ્વર તાલુકાના રતનપુરા ગામે ખેડૂતના બંધ મકાનમાંથી તસ્કરો રૂ.18,000 અને દરદાગીના મળી રૂ.43,000 મત્તાની તસ્કરી કરી જતાં ખેડૂતે શંખેશ્વર પોલીસ સ્ટેશને તસ્કરીની ફરિયાદ લખાવી હતી. રતનપુરા ગામે રહેતાં ઉકાજી ઉર્ફે કુકાજી મેરાજી ઠાકોર શંખેશ્વરમાં જમીન ભાગેથી રાખીને એરંડામાં મજૂરી કામ કરે છે. તેમનો પરિવાર હાલ ધ્રાંગધ્રા મજૂરી કરે છે. ઉકાજી મંગળવાર સાંજના અરસામાં ઘરના દરવાજાને તાળું મારીને ખેતર ગયા હતા. ત્યારે રાત્રિના અરસામાં બંધ મકાનનો લાભ લઇને તસ્કરોઓ તસ્કરી કરી ગયા હતા. ખેડૂતે કોલસાની ભઠ્ઠી પાડી કોલસા વેચી, ગવાર વેચી અને મજુરીકામ કરી ભેગા કરેલા રૂ.18000 અને સોનાનું કડું રૂ.12,000, ચાંદીની જુની ઝંઝારી રૂ.3000, ચાંદીનો જુનો કંદોરો રૂ.10,000નો મળી કુલ રૂ.43,000ના મુદ્દામાલની તસ્કરી કરી ગયા હોવાની ખેડૂતે શંખેશ્વર પોલીસ સ્ટેશને તસ્કરીની ફરિયાદ લખાવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.