ચોરીના મોબાઇલ ફોન વેચવા માટે ફરતો આરોપી પકડાયો

વડોદરા, તસ્કરીના મોબાઇલ ફોન વેચવા માટે ફરતા આરોપીને સિટિ પોલીસે પકડી લીધો છે. પોલીસે તેની પાસેથી તસ્કરીના ૧૦ મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. સિટિ પોલીસને માહિતી મળી હતી કે,એક આરોપી તસ્કરીના મોબાઇલ ફોન વેચવા માટે ફરી રહ્યો છે અને હાલમાં આરોપી ફતેપુરા રાણાવાસ  પાસે ઉભો છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી ચેતન ઉર્ફે ડોળો બાબુભાઇ  રાણા મળી આવ્યો હતો. તેની પાસેની બેગમાંથી પોલીસને જુદી જુદી કંપનીના ૧૦ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પી.આઇ.કે.એન.લાઠિયાએ હાથ ધરેલી પૂછપરછ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,આરોપીએ વડોદરા શહેર ઉપરાંત આણંદ તથા પંચમહાલ જિલ્લામાંથી ૧૧ મહિના દરમિયાન કુલ ૧૦ મોબાઇલ ફોનની તસ્કરી કરી છે. પોલીસે ચેતનની અટક કરી મોબાઇલ ફોનના માલિકોની શોધખોળ હાથ ધરી છે.પોલીસે આરોપી પાસેથી ૧૦ મોબાઇલ ફોન કિંમત  રૂપિયા ૭૧  હજારના જપ્ત કર્યો છે.