અંજારમાં બંધ મકાનનાં તાળાં તોડી રૂ.96 હજારની મતા તસ્કરો ચોરી કરી ગયા

ગાંધીધામ,અંજારના ઓકટ્રોય જકાત નાકા બહાર ઓમનગર સોસાયટીમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. આ મકાનમાંથી રૂ.96,500 ની મતા તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. અંજારની ઓમનગર સોસાયટીના મકાન નંબર-6માં રહેતા મૂળ વઢવાણ, સુરેન્દ્રનગરનાં મનહરલાલ છગનલાલ પારધીએ તસ્કરીના આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. બરવાળા ખાતે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં અધિક રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા આ ફરિયાદીના ઘરમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. આ ફરિયાદી ગત તા. 1-3નાં સાંજના અરસામાં બરવાળા ખાતે જવા નીકળ્યા હતા. બાદમાં આજે સવારના અરસામાં પરત અંજાર પોતાના ઘરે આવતાં તેમના મકાનમાં તસ્કરી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તસ્કરો તેમના બંધ મકાનનાં તાળાં તોડી અંદર ઘુસ્યા હતા. અંદરના રૂમમાં તમામ સરસામાન વેરવિખેર કરી શુટકેસમાંથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, સાત પેનડ્રાઇવ, બીજા રૂમમાં પેટી પલંગમાંથી સોનાની ચેઇન તથા મુખ્ય હોલમાંથી 42 ઇંચનું ટી.વી., એક બાઇક એમ કુલ રૂ.96,500ની મતાની તસ્કરી કરીને તસ્કરો નાસી છૂટ્યા હતા. તસ્કરીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.