ખીમરાણા પાસે પિસ્તોલ, કાર્ટીસ સાથે જામનગરનો ઈસમ પકડાયો

જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ખીમરાણા ગામના પાટીયા પાસે લોકલ ક્રાંઇમ બ્રાન્ચએ દેશી પિસ્તોલ અને એક જીવંત કાર્ટીસ સાથે જામનગરના ઈસમને પકડી પાડ્યો હતો.પોલીસે ઝડપાયેલા આ ઈસમ સામે આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી દેશી પિસ્તોલ અને કાર્ટીસ સહિત રૂ.25,100નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર ક્રાંઇમ બ્રાન્ચના પી.આઇ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે વેળાએ સ્ટાફના ફિરોઝભાઇ ખફી, શિવભદ્રસિંહ જાડેજા સહિતની ટીમને ખીજડીયા બાયપાસ નજીક જામનગરનો એક ઈસમ પિસ્તોલ સાથે ઉભો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે બાયપાસ પાસે ખીમરાણા પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતમાં રેહાન ઇકબાલભાઇ બેલીમને પકડી લીધો હતો. પોલીસે તેની તલાશી લેતા તેના કબજામાંથી દેશી પિસ્તોલ ઉપરાંત એક જીવંત કાર્ટીસ મળી આવ્યો હતો. આથી પોલીસે તેની સામે આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવી તેના કોવિડ પરીક્ષણ માટે કાર્યવાહી હાથ ધરી છે.આ હથિયાર કયાંથી લવાયુ છે? અન્ય કોઇ સંડોવાયુ છેકે કેમ ? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.