ગાંધીધામ શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં એક બંધ ઓરડીમાંથી 47 હજારનો દારૂ પકડાયો

ગાંધીધામ, શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં એક બંધ ઓરડીમાંથી એલસી.બી.એ રૂ.47,250 નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પરંતુ દારૂ રાખનારો ઈસમ હાથમાં આવ્યો ન હતો. શહેરનાં ભારતનગર કૈલાશનગર સોસાયટીમાં રહેનારા સમીર નરેશ સથવારા નામના ઇસમે જૂની સુંદરપુરીમાં ખેતરપાળ મંદિર પાસે આવેલી એક ઓરડીમાં દારૂ સંતાડયો હતો. આ ઓરડીમાંથી જરૂરિયાત મુજબ દારૂની બોટલો કાઢી તે તેનું વેચાણ કરતો હતો. ગઇકાલે મોડી રાત્રિના અરસામાં એલસી.બી.ની પેટ્રોલિંગ ટીમે બાતમીવાળી ઓરડીના નકુચા ખોલી અંદર જતા ખુલ્લી બોટલો તથા બોકસ મળી આવ્યાં હતાં. અહીંથી હરિયાણા બનાવટની ક્રૂર પ્રા. લિમિટેડ લખેલી 126 બોટલ કિંમત રૂ.47,250 નો અંગ્રેજી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અહીં હાજર ન મળેલા આ ઈસમને ઝડપી પાડવા તજવીજ કરવામાં આવી હતી.