મેઘપર-બો.માં મકાનમાંથી 1.75 લાખના ફર્નીચરની તસ્કરી

મેઘપર-બો.ના રહેણાંક મકાનમાંથી દર-દાગીનાની જગ્યાએ મકાનું ફર્નીચર જ તસ્કરી થઈ જતા આશ્ચર્ય ફેલાયું હતું. શિવાજી રોડ પર રહેતા અને ક્વિન્સ બ્યૂટી પાર્લર ચલાવતા અને મેઘપર (બો)માં હોલિડે હોટલની પાછળ સલોની બંગલોમાં બીજું મકાન ધરાવતા કુસુમબેન હરિદાસ કલ્યાણજી ભાટિયાએ લખાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મેઘપર (બો)માં આવેલા મકાનની બાજુમાં રહેતા પડોશીઓએ ફોન કરીને ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારા મકાનનો દરવાજો ખુલ્લો પડ્યો છે. જેથી ફરિયાદી કુસુમબેન જોવા ગયા. ત્યારે મકાનની લાઈટનું કનેકશન કાપેલું હતું. જેથી ટોર્ચના અજવાળે તપાસતા મકાનમાંથી બે મોટા બ્રાઉન કલરના કબાટ, બે પલંગ સેટ, ગ્રેનાઈટનું ડાયનિંગ ટેબલ, ઈટાલિયન ફર્નિચરની 7 ખુરશી, વેક્યુમ ક્લિનર, ટાઈલ્સની પેટીઓ અને કાચના વાસણો વગેરે જોવા મળ્યા ન હતા. જેની કિંમત રૂ.1.75 લાખ આંકવામાં આવી છે. જેથી ફરિયાદીએ આ અંગે અંજાર પોલીસ સ્ટેશને અજાણ્યા નિશાચરો વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.