જામનગરના માધાપર ભુંગા પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટિઝ સાથે એક સાગરીત પકડાયો 
જામનગર એલસીબીએ બેડી વિસ્તારમાંથી જામનગરના જ શખ્સને આંતરી લઇ દેશી પિસ્તોલ અને કાર્ટિઝ જપ્ત કર્યા છે. આ હથિયાર દોઢ-બે વર્ષ પૂર્વે જામનગરના જ એક સાગરીત પાસેથી મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે. જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં માધાપર ભુંગા જવાના રસ્તે, ચોકડી પાસે આવેલ બસ સ્ટેન્ડ સામે એક સાગરીત દેશી પિસ્તોલ સાથે આંટાફેરો કરતો હોવાની એલસીબી પોલીસને હકીકત મળી હતી. જેને લઈને તમામ સ્ટાફે આ વિસ્તારમાં પહોચી ઉપરોક્ત સ્થળ કોર્ડન કર્યું હતું. જેમાં શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતો 23 વર્ષીય નાસીરહુશેન અબ્દુલ ગફારભાઇ ખફી મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેના કબ્જામાંથી પોલીસે મેઈડ ઇન મુંગેર લખેલ એક દેશી પિસ્તોલ જપ્ત કરી હતી. આ ઉપરાંત બે કાર્ટિઝ અને એક વધારાનું મેગ્ઝીન પણ મળી આવ્યું હતું. જેથી પોલીસે સાગરીતની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં આ હથિયાર દોઢ-બે વર્ષ પૂર્વે જામનગરના જ સાજીદભાઇ મહમદભાઇ વાધેર પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું પોલીસે આ સાગરીતને ફરાર જાહેર કરી નાશીરની અટક કરી તજવીજ હાથ ધરી છે.