બોટાદ ખાતે સાંસદશ્રી ભારતીબેન શિયાળના હસ્તેજવાહર નવોદય વિદ્યાલયનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

આજ રોજ બોટાદ ખાતે સાંસદશ્રી ભારતીબેન શિયાળના હસ્તે જવાહર નવોદય વિદ્યાલયનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજન પ્રસંગે સાંસદશ્રી ભારતીબેન શિયાળએ જણાવ્યું હતું કે, બોટાદ ખાતે શરૂ થયેલ જવાહર નવોદય વિદ્યાલયને પોતાનું બિલ્ડીંગ ન હોવાના લીધે જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ તેનું મકાન રાખી શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેને ધ્યાને લઈ સરકારશ્રીએ શિક્ષણની ચિંતા કરી તેના મકાન માટે જમીન વિનામૂલ્યે ફાળવી આપી છે અને જમીન પર આગામી સમયમાં સ્વતંત્ર મકાન ઉભું કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને રહેવા – જમવા તેમજ શિક્ષણ માટે એક નવું અત્યાધુનિક શાળાનું બિલ્ડીંગ પ્રાપ્ત થશે.
વધુમાં ઉમેર્યું હતું કે, આજે બોટાદ જિલ્લાને પણ ભાવનગર જિલ્લાની જેમ જવાહર નવોદય વિદ્યાલય મળી છે અને સમાજના શિક્ષણમાં સુધારો થાય તે પ્રયાસો નવી નવી શાળાઓ – વિદ્યાલયોને મંજૂરી આપી સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આવનાર સમયમાં અહીં ભવ્ય બિલ્ડીંગ આ શાળા માટે ઊભી થશે અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનો અંત આવશે. બોટાદ જિલ્લામાં આ શાળાને મંજૂરી આપવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ સફળ પ્રયાસો થકી તે હાલ આપણી સમક્ષ જોવા મળી છે. આ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, બોટાદ જિલ્લામાં ગામડાના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, વિદ્યાલયમાં રહેવા-જમવાની સગવડતા મળી રહે અને સારું શિક્ષણ મેળવી શકે તે ઉદ્દેશ જવાહર નવોદય વિદ્યાલયનો છે. વિદ્યાલયને એક સારું વાતાવરણ મળે, શાળાને અનુકૂળ આવે તેવું બિલ્ડીંગ મળી રહે તે વિચારો આપણા હતા અને જુદી-જુદી સંસ્થાઓએ પણ મદદ માટે જણાવ્યું હતું અને તમામ પ્રકારની સગવડતા મળી રહે તે માટે પ્રયાસો કરતા હતા. બોટાદ નગરપાલિકા, ઢસા ગુરુકુળ ખાતે પણ આ વિદ્યાલય કાર્યરત રહી છે અને આજે કુંડળ ખાતે મનુભાઈ જીવાણી પરિવાર જે શિક્ષણને સમર્પિત છે, સામાજિક કાર્યોમાં સેવા કરી રહ્યા છે જેઓની સંસ્થા કુંડલ ખાતે કાર્યરત હતી એ જ સંસ્થામાં જવાહર નવોદય વિદ્યાલયને આમંત્રિત કરી તેમા જરૂરી ખર્ચ કરી બિલ્ડીંગને ઉપયોગ માટે આપી છે. હાલ તે બિલ્ડિંગમાં આ વિદ્યાલય કાર્યરત છે. સાંસદશ્રીએ મદદ કરનાર તમામ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ભવિષ્યમાં આધુનિક બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે તે બદલ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર આપણા માન. વડાપ્રધાનશ્રી આવા નાના-નાના ભૂલકાઓની કેટલી ચિંતા કરે છે. બોટાદ એક નાનો જિલ્લો છે, ચાર તાલુકાનો જિલ્લો છે પણ બોટાદ જિલ્લાને આ જગ્યામાં અગવડતા ઉભી ન થાય તે માટે વિશાળ વિદ્યાલય બિલ્ડિંગ મળી રહેશે. વધુમાં તમામ વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે અને આ અવસરનો લાભ લેવા રાજ્ય સરકારના ભરોસાને દિપાવવા તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો તથા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ગઢડા મત વિસ્તારના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણીએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારે પોતાની ગ્રાન્ટમાંથી વિદ્યાલયના ઉપયોગ અર્થે વાહન તેમજ શૌચાલય બાથરૂમના ઉપયોગ માટે ફંડ ફાળવવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહે જણાવ્યું હતું કે, વિદ્યાલયમાં કોઈ અગવડતા ઉભી ન થાય તે માટે આવનાર સમયમાં વિદ્યાલયનું સ્વતંત્ર બિલ્ડીંગ ઉભું કરવામાં આવશે. બાળકો માટે ખૂબ સુવિધાથી સજ્જ સંકુલ આકાર લઈ રહ્યું છે, તે બદલ તમામને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્ય સરકારની એક યોજના રહી છે કોઈ પણ વિકાસના કામો હોય અને તેમાં પણ ખાસ શિક્ષણ, તેના માટે સારામાં સારી અને વિશાળ જગ્યા માટે જમીન ફાળવવામાં આવે છે. આ વિદ્યાલય માટે રાજ્ય સરકાર દ્વારા 1.21 લાખ ચો.મી. વિશાળ જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હંમેશા શિક્ષણને લઈ જે પણ કામ હોય તેના મદદ માટે તત્પર છે. વહીવટીતંત્ર તરીકે અને વિદ્યાલયના ચેરમેન તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય તેને ગંભીરતાથી લઇ નિરાકરણ કરવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે સ્મૃતિ સ્વરૂપ તક્તિ નું અનાવરણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત વિધિ જવાહાર નવોદય વિદ્યાલય સમિતિના આસીસ્ટન્ટ કમિશનર શ્રીમતી મેરી મણીબેને તેમજ આભારવિધિ આચાર્યશ્રી શૈલેન્દ્રસિંઘ યાદવે કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભીખુભા વાઘેલા, નગરપાલિકા પ્રમુખશ્રી રાજેશ્રીબેન વોરા, મધુસુદન ડેરીના ચેરમેનશ્રી ભોળાભાઈ રબારી સહિતના અગ્રણીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા