બોટાદ જિલ્લાની આઠ સસ્તા અનાજની દુકાનો ઉપર સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુ પ્રદર્શિત અને વેચાણ માટે મુકવામાં આવી.
ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ જિલ્લા પુરવઠા કચેરી, બોટાદ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારનાં સ્વ સહાય જૂથનાં બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને આઠ અલગ-અલગ સસ્તા અનાજની દુકાનોમાં વેચાણ અને પ્રદર્શન માટે મુકીને મહિલાઓને આજીવિકામાં વધારો કરવા અને વેચાણ અર્થે મુકેલ ચીજ વસ્તુઓનો બહોળો પ્રચાર-પ્રસાર થઈ શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હાલની પરિસ્થિતમાં લોકોને આજીવિકા મેળવવા માટે સ્વ-ઉત્પાદિત કરેલ વસ્તુ માટે માર્કેટ મળવું એ ખુબ મુશ્કેલ બાબત છે ત્યારે મેનેજીંગ ડીરેક્ટરશ્રી, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી., ગાંધીનગર, કલેકટરશ્રી-બોટાદ તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી-બોટાદનાં માર્ગદર્શન હેઠળ તેમના દ્વારા પૂરા પાડવામાં આવેલ દિશાનિર્દેશ અનુસાર જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને જીલ્લા લાઈવલીહુડ મેનેજરશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારની સ્વ સહાય જૂથોની બહેનો અને સસ્તા અનાજની દુકાનનાં વિક્રેતા સાથે મીટીંગ યોજી, પરસ્પર સમજુતી કરાવીને બંને પક્ષે આજીવિકા મળી રહે અને ગ્રામ્ય કક્ષાની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુના વેચાણ થકી તેઓ પગભર થઇ શકે તેવા ઉમદા હેતુથી પ્રથમ તબક્કે જિલ્લાની આઠ સસ્તા અનાજનાં દુકાનદારો સાથે જોડાણ કરી બહેનોને આજીવિકા આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા ગ્રામ્ય વિસ્તારના બહેનોનાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનાં વેચાણ માટે શહેર અને ગ્રામ્ય કક્ષાએ માર્કેટ મળે તે માટે બોટાદ જિલ્લા પુરવઠા કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં સહયોગથી બોટાદ જિલ્લામાં પ્રથમ તબક્કે પાયલટ પ્રોજેક્ટ તરીકે આઠ સસ્તા અનાજની દુકાનો ઉપર સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુ પ્રદર્શન અને વેચાણ માટે મુકવાનું સંપૂર્ણ આયોજન કરી ગુજરાત રાજયની સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ વસ્તુઓનાં વેચાણ અને પ્રદર્શન માટે મુકવામાં આવ્યું છે.જેમાં શહેરી વિસ્તારમાં બોટાદની ૨(બે) દુકાન અને ગઢડાની ૧(એક) દુકાન જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રાણપુરની ૨(બે) દુકાન, સાળંગપુર ખાતે ૧(એક) દુકાન અને ગોરડકા, ખાખોઈ ગામે સખી મંડળ દ્વારા સંચાલિત સસ્તા અનાજની દુકાન એમ મળી કુલ આઠ સસ્તા અનાજની દુકાનોમાં હાલ પ્રાથમિક ધોરણે બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુ મુકવામાં આવી છે. હવે પછી બોટાદ જિલ્લામાં જ્યાં માર્કેટિંગ મળી રહે તે જગ્યાએ આવેલી સસ્તા અનાજની દુકાને સ્વ સહાય જૂથ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવશે.