જામનગરમાં અલમદાર એપાર્ટમેન્ટના ફલેટમાં ધમધમતું જુગારધામ પકડાયુ 3.21 લાખના મુદામાલ સાથે સાત ની ધરપકડ

જામનગરના કાલાવડ ગેઇટ બહારના વિસ્તારમાં સી.ટી.એ. પોલીસે એક એપાર્ટમેન્ટના ફલેટમાં દરોડો પાડી જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડી રોકડ રકમ,આઠ મોબાઇલ અને પાંચ વાહનો સહિત રૂ.3.21 લાખનો મુદામાલ કબ્જે કર્યો. આ દરોડાના પગલે ક્ષણિકમાં અફડા-તફડી મચી જવા પામી હતી.

       પોલીસે પકડેલા તમામ ઇસમો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સુત્રો માંથી મળતી વિગત અનુસાર શહેરમાં સી.ટી.એ. પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ કાલાવડ ગેઇટ બહાર ગેલેકસી પાર્ક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ફલેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે અલમદાર એપાર્ટમેન્ટમાં બીજા માળે અલીઅસગર હુજેફાભાઇ ધાબરીયાના કબ્જાના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળાએ સાતેક ઇસમો ગંજીપાના કુટતા માલુમ પડયા હતા.

       આથી પોલીસે મકાનધારક અલીઅસગર ધાબરીયા ઉપરાંત અન્ય હુસેન સાજીદભાઇ લાકડાવાલા, હાતીમ ઈકબાલભાઇ અત્તરવાલા, ઈસ્માઈલ હમઝાભાઈ પારેખ, મુસ્તફા હુસેનભાઇ પથારી, અબ્બાસ મુરતુઝાભાઇ ગાંધી અને બુરહાન મુરતુઝાભાઇ રંગવાલાને પકડી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.15,300ની રોકડ અને આઠ મોબાઇલ ફોન તેમજ પાંચ બાઇક સહિત રૂ.3.21 લાખનો મુદામાલ ઝડપી પાડયો.