ગાંધીધામમાં શંકાસ્પદ ઘઉં સાથે બે આરોપીઓ પકડાયા

કંડલા મરિન પોલીસે ત્રણ દિવસ પહેલાં વાડામાંથી 1.72 લાખના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે એકને પકડ્યા બાદ, આજે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ સામે ડાલો ગાડીમાં લઇ જવાતા રૂ.30 હજારની કિંમતના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે જણાની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

          ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગુડ્સ સાઇડ પુલિયાથી ઓસ્લો સર્કલ તરફ ડાલો ગાડીમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો લઇ જવાઇ રહ્યો હોવાની બાતમીના આધારે ટાગોર રોડ પર સર્કિટ હાઉસ સામે વોચ ગોઠવી બાતમી મુજબની ગાડી આવતાં રોકી તે ગાડીમાં ભરેલા ઘઉંના કટ્ટાના આધાર પુરાવા મગાયા હતા જે તેમની પાસે ન હોતાં ભારતનગરની આશાપુરા સોસાયટીમાં રહેતા અતુલ ઉર્ફે અર્જુન દયારામભાઇ ભાનુશાલી અને કંડલા સર્વા ઝૂંપડામાં રહેતા ભગુ કાળુભાઇ કાલવેલ્યાની ચોરી કે છળકપટી મેળવેલા શંકાસ્પદ રૂ. 30,600 ની કિંમતના 1,700 કિલોગ્રામ ઘઉંની 34 બોરી જપ્ત કરી અટક કરી હતી.

       આ કામગીરીમાં પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયા, પીએસઆઇ આર.કે.દેસાઇ, હેડકોન્સ્ટેબલ તનેરાજસિંહ ચૌહાણ, ભરત ભાટી, પ્રવિણસિંહ જાડેજા, કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ઝાલા અને હિરેન મહેશ્વરી સહિતની ટીમ જોડાઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસ પહેલાં જ કંડલાની કાલબેલિયા ઝૂંપડા વિસ્તારમાં ગોરધન ઉર્ફે ગો નાથના ઝૂંપડા પાછળ આવેલા ખુલ્લા વાડામાંથી રૂ. 1,72,500 ની કિંમતના 6900 કિલોગ્રામ ઘઉંની 138 બોરીઓ સાથે ગોરધન ઉર્ફે ગોદૂ નાથ તથા કરણ રમેશભાઇ ગોલાણીની અટક કરી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. કંડલામાં વિપુલ માત્રામાં સ્ટોક કરેલા ઘઉંના જથ્થામાંથી ચોરી કરાઇ રહી હોવાની શંકા સેવાઇ રહી છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ