કંડલામાં ડીઝલની લાઈન લીકેજ થતાં દોડધામ, મોટી દુર્ઘટના ટળી

કંડલામાં બીપીસીએલની લાઈનમાંથી ડીઝલથી ધાર બહાર પડતી હોવાની વાત બહાર આવતાજ તંત્ર દોડતું થઈ ગયું હતું. સ્થળ પર મોટી માત્રામાં જથ્થો ઢોળાઈ ગયો હોવાનું સામે આવતા એરીયાને કૉર્ડન કરીને તેને વૅક્યૂમ થકી ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અંદાજે એકાદ હજાર લીટર ડીઝલ બહાર પડી ગયું હોવાનું સંભવ છે. વારંવાર કંડલામાં બારુદના ઢગલા પર હોવાની વાત સામે આવતી હોવા છતાં આ અંગે કંપની કે તંત્રની જોઇએ એવી ગંભીરતા જોવા મળતી નથી. પાઈપલાઈનની ખસ્તા હાલત કે ચોરીના પ્રયાસો માટે લાઈનમાં કરેલા બાકોરાના કારણે આ ઘટના બની તે દિશામાં તપાસ થાય તે અત્યંત આવશ્યક બન્યું છે. દીન દયાલ પોર્ટ, કંડલાની 4નં. ની જેટીથી અઢી કિલોમીટર દુર આહીર સોલ્ટ, મીઠીરોહરની પાસે આવેલી ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડની લાઈન લીક થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે હાઈ સ્પીડ ડીઝલ પાઈપલાઈનમાં લીક થઈને નીચે પડી રહ્યું છે. જ્વલનશીલ લિક્વિડ મોટા પ્રમાણમાં આસપાસ પડેલા પાણીમાં પડીને ઉપર તરવરી રહ્યું હતું. ઘટનાની જાણ થતા બીપીસીએલ, પોર્ટ, પોલીસના અધિકારીઓ ફોર્મ અને ફાયર ટેન્ડર, એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર ધસી ગયા હતા અને એરીયાને કૉર્ડન કરી લીધો હતો, જેથી અન્ય કોઇ વ્યક્તિ ભુલથી પણ અંદર આવી કોઇ દુર્ઘટનાનો કારક ન બને. સુત્રોએ જણાવ્યું કે જાણ થયા બાદ એકાદ કલાકના ગાળામાં લાઈનમાં સપ્લાય બંધ કરીને જ્યાંથી લીક હતું, તેને પ્લગ અને સીલ કરી દેવાયો હતો.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ