ભાવનગર : પેટ્રોલ ભરેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાતા એક યુવકનું મોત

ભાવનગર તાલુકાના ગણેશગઢ ગામના બે યુવાનો ભાવનગરથી પોતાના ઘરે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સનેસ ગામ પાસે પુરપાટ ઝડપે આવી રહેલ પેટ્રોલના ટાંકા વાળા ટ્રકે તેને અડફેટમા લેતા એક યુવાનનું મોત નીપજ્યુ હતું જ્યારે અન્ય યુવાનને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડાયા હતા.

ભાવનગર તાલુકાના ગણેશગઢ ગામે રહેતા દીલીપભાઈ વલાજીભાઈ જાંબુચાનો પુત્ર વનરાજભાઈ દીલીપભાઈ જાંબુચા પોતાની મોટર સાઈકલ પર નંદરામભાઈ જાંબુચા નામના યુવકને બેસાડી ભાવનગરથી પોતાના ગામ ગણેશગઢ ગામે આવી રહ્યા હતા ત્યારે સનેસ ગામ પાસે પહોંચતા પેટ્રોલ ભરેલો ટાંકો ટ્રક નં.જીજે જીરો ફોર વી 3111ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી બાઈક સાથે અથડાવતા વનરાજભાઈને ગંભીર ઈજા થતા મોત નિપજ્યુ હતું જ્યારે તેની પાછળ બેસેલ નંદરામભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. વધુ તપાસ માટે વેળાવદર ભાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી.