પાંચોટીયા અને સુથરીની સીમમાં આવેલ પવનચક્કીના મશીનમાં લાગેલા કોપરના વાયરની ચોરી

માંડવી તાલુકાના પાંચોટીયા અને અબડાસાના સુથરી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કોઇ અજાણ્યા ઇસમો 340 મીટર કોપર વાયર કિંમત રૂપિયા 51 હજારની ચોરી કરી જતાં માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત વિગતો મુજબ પાંચોટીયા ગામે રહેતા અને પવનચક્કીના સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા રતનભાઇ સંભુભાઇ ગઢવીની ફરિયાદને ટાંકીને માંડવી પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગત 15 મેથી 23 મે દરમિયાન બન્યો હતો. સુથરી ગામની સીમમાં આવેલી પવન ચકકીના મશીન બી-445,447,448,482,483 લાગેલા 340 મીટર કોપર વાયર કિંમત રૂપિયા 51 હજારની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી.