સારંગપુરમાં નાકાબંધી વખતે આરોપી પાસેથી 8 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું
સારંગપુર પાણીની ટાંકી પાસે વાહન ચેકિંગ કરી રહેલી કાલુપુર પોલીસે 83 ગ્રામ 610 મિલી ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનના એક વેપારીને ઝડપી લીધો હતો. રાજસ્થાનથી બસમાં ડ્રગ્સ લઈને આવેલો યુવાન જામનગર જાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પડ્યો. પોલીસને જોઈને આરોપી ભાગ્યો હોવાથી પોલીસે પીછો કરીને તેને પકડી લીધો.
રથયાત્રાને ધ્યાનમાં રાખીને કાલુપુર પોલીસ સારંગપુર પાણીની ટાંકી પાસે નાકાબંધી ગોઠવીને વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાનમાં ત્યાંથી થેલો લઈને ચાલતો જઈ રહેલો એક વ્યકિત પોલીસની નાકાબંધી જોઈને ત્યાંથી ભાગ્યો.
જેથી પોલીસે પીછો કરીને તેને પકડી લીધો. પોલીસે તેની અંગઝડતી કરતા તેની પાસેની પ્લાસ્ટિકની થેલીઓમાંથી 83 ગ્રામ 610 મિલી ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂ.8.36 લાખ મળી આવ્યું. એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા વ્યકિતની પોલીસે પૂછપરછ કરતા તે રાજસ્થાન બાડમેર બારાસણ ગામમાં રહેતો ગણપતરામ જાલારામ બિશ્નોઈ ઉ.વ.22 હોવાનું જાણવા મળ્યું. જેથી પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી ગણપતરામને પકડી પાડ્યો. પોલીસે ગણપતરામની પૂછપરછ કરતા આ જથ્થો રાજસ્થાનમાં રહેતા દેવરાજ ચૌધરીએ જામનગરમાં રહેતા મયુદ્દીનને આપવા માટે આપ્યો હતો. જેથી ગણપતરામ રાજસ્થાનથી બસમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો.
