પથ્થરના ઘા ઝીંકી યુવકની હત્યા કરી, પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુન્હો નોંધ્યો


કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિક યુવાન પર કોઈ અજાણ્યા ઇસમોએ જીવલેણ હુમલો કરી માથું ફાડી નાખ્યું, જેથી યુવાનને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં સારવારમાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો. ચારણ પીપળીયા ગામમાં રહેતા ખેડૂત રસિકભાઈ લવજીભાઈ રામાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રવિ મોહનસિંહ બઘેલ ઉ.વ.25 કે જે પોતાની વાડીમાં ખાટલા પર સૂતો હતો, જે નિદ્રાધીન અવસ્થામાં જ તેના ઉપર કોઈ અજાણ્યા ઇસમોએ હુમલો કરી દીધો હતો.
પથ્થર વડે તેનું માથું અને ખોપડી ફાડી નાખતાં તેને લોહી નિતરતી અને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો, અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મારફતે સારવાર મેળવી રહ્યા અને તેની હાલત અત્યંત નાજુક. આ બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એચ.વી. પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ, તેમજ ઇજાગ્રસ્ત યુવાનના પિતા મોહનસિંહ બધેલ કે જેવો મધ્યપ્રદેશ રહે છે, જેઓને કાલાવડ બોલાવી લીધા હતા અને તેનું નિવેદન નોંધ્યું હતું. કોઈ અજાણ્યા ઇસમો આ હુમલો કરીને ભાગી છુટ્યા હોવાથી પોલીસે મોહનસિંહ બધેલની ફરિયાદના આધારે અજાણ્યા ઇસમો સામે ખૂનની કોશિષ અંગેનો ગુનો નોંધ્યો જે દરમિયાન ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાને દમ તોડતા ખુની હુમલાનો બનાવ હત્યામાં પલટાયો. પોલીસે નિંદ્રાધીન યુવકને મોતને ઘાત ઉતારનાર અજાણ્યા ઇસમોની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી.