જૂનાગઢ સિવીલના સ્ટાફે ગાંજા સાથે બે ઇસમોને પકડી પોલીસને સોંપ્યા


જૂનાગઢ સિવીલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફે ગાંજા સાથે 2 ઇસમોને ઝડપી પાડી એ ડિવીઝન પોલીસ હવાલે કર્યા. જ્યારે 1 ઇસમ નાસી છૂટવામાં સફળ થયો. આ અંગે મળતી વિગત મુજબ સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, સિવીલમાં લોકોની સલામતી જળવાઇ રહે તે માટે સિક્યુરીટી ગોઠવવામાં આવી.
દરમિયાન સિક્યુરીટીના સુપરવાઇઝર ભોલુભાઇને બાતમી મળી કે, ચોર જેવી શંકાસ્પદ વર્તુણૂંક ધરાવતા કેટલાક ઇસમો પાંચમાં માળે આંટાફેરા મારી રહ્યા છે જે કોઇ ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ફિરાકમાં હોવાનું જણાઇ રહ્યું છે. બાદમાં તપાસ કરતા પાંચમાં માળે રૂમ નંબર 502ની અંદર કુલ 3 વ્યક્તિ હતા જેમાંથી 1 નાસી છૂટવામાં સફળ રહ્યો. જ્યારે 2 વ્યક્તિને સિક્યુરીટ સ્ટાફે ઝડપી લીધા. બાદમાં આ બન્ને ઇસમોને એ ડિવીઝન પોલીસને બોલાવી તેને સોંપી દેવાયા. તે દરમિયાન જે ઇસમ નાસી છૂટવામાં સફળ થયો તે અગાઉ સિવીલમાં જ મોબાઇલ ચોરીમાં પણ ઝડપાયો હતો.