અવાર-નવાર માતા પિતા વચ્ચે થતાં ઝઘડાના કારણે 10 વર્ષની દીકરી ઘરેથી નીકળી ગઇ

મહિલા અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન.

બાળકોની સામે ઝગડતા માતા પિતા માટે લાલબત્તી સમાન કેસ આવ્યો સામે. રાજસ્થાનના વતની અને ગાંધીનગરમા મજૂરી કામ કરતા દંપતીની 10 વર્ષની દિકરીને માતા પિતા વચ્ચે અવાર-નવાર થતાં ઝગડા પસંદ ના આવતા તે ઘરેથી નિકળી ગઇ હતી. વહેલી સવારે દિકરી સરગાસણ ચોકડી પાસે એકલી જોવા મળતા તે માર્ગેથી પસાર થતાંએ મહિલા અભયમને જાણ કરી હતી. ત્યારબાદ અભયમની ટીમે પોલીસનો સંપર્ક સાધી દિકરીનુ માતા પિતા સાથે મિલાપ કરાવ્યુ.

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે સરગાસણ ચોકડી પાસે આશરે 10 વર્ષની એક કિશોરી એકલી રડતી અને ગભરાયેલી જોવા મળી આવી . જેને લઇને અહિંયાથી પસાર થતા જાગૃત નાગરિકે મહિલા અભયમની ટીમનો સંપર્ક સાધતાં ટીમ બનાવ સ્થળે આવી પહોચી  અને દિકરીનુ કાઉન્સેલીંગ કર્યુ, પરંતુ કિશોરી ગભરાયેલી હોવાથી તે બોલી શકતી ન હતી. ટીમ દ્વારા તેને શાંત જગ્યાએ લઇ જઇ પૂછપરછ કરતા આશ્ચર્યચકિત કારણ સામે આવ્યુ. કિશોરીના જણાવ્યા અનુસાર, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેના માતા પિતા કારખાનામા નોકરી કરે છે. તેઓ ચાર ભાઇ બહેન છે. હુ અમદાવાદ હોસ્ટેલમા રહીને અભ્યાસ કરુ છુ. મારા માતા પિતાએ રાત્રે ઝગડો કર્યો હતો, રૂપિયા માટે બંને વચ્ચે કંકાસ થયો હતો. મે પપ્પાને સમજાવ્યા હતા કે મમ્મીને મારે નહિ, છતા મારકુટ કરતા હતા, જેથી ઘરેથી નિકળી ગઇ. અભયમની ટીમે પોલીસને જાણ કરતા પોલીસ અને અભયમની ટીમ દ્વારા માતા પિતાને શોધી કઢાયા હતા. ત્યારબાદ ડોક્યુમેન્ટ તપાસ્યા પછી ઠપકો આપ્યા બાદ દિકરીને માતા પિતાને સોપી દેવામાં આવી હતી.