વડોદરામાં ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે બદઇરાદાથી વિદ્યાર્થિનીને પીવડાવી વોડકા


નિઝામપુરા વિસ્તારના અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે બદઇરાદાથી ક્લાસમાં આવતી વિદ્યાર્થિનીને વોડકા (દારૂ) પીવડાવતા તેની તબિયત લથડી. વિદ્યાર્થિનીની તબિયત બગડ્યા બાદ ભયભીત થયેલ શિક્ષક વિદ્યાર્થિનીને તેના ઘરે મુકી આવ્યો. અર્ધબેભાન હાલમાં લથડીયા ખાતી ખાતી ઘરે પહોચેલી દીકરીની આવી હાલત જોઇ માતા ચોંકી ઉઠી હતી. દીકરીની આ હાલત માટે શિક્ષક જવાબદાર હોવાનો આક્ષેપ મુકતી ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે શિક્ષકની અટકાયત કરી છે.
ફતેગંજ પોલીસ મથકના પી.આઇ. પરમારે જણાવ્યું હતું કે, શહેરના નિઝામપુરા અર્પણ કોમ્પ્લેક્સમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં પ્રશાંત નામના વ્યક્તિ શિક્ષક તરીકે નોકરી કરે છે. આ શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ પણ બેસાડી રાખી. ટ્યુશનનો સમયગાળો પૂર્ણ થયા બાદ અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા. બપોરે 3:30થી રાત્રિના 8:30 સમયગાળા દરમિયાન વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતું. શિક્ષકે કયા કારણોસર કેફી પીણું પીવડાવ્યું તે અંગેની તપાસ થઈ રહી છે. હાલ શિક્ષકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થિનીને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તપાસ ચાલી રહી છે.
મળેલી માહિતી પ્રમાણે ક્લાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને દારૂ પીવડાવ્યા બાદ તેની દશા જોઈ પ્રશાંત ગભરાઈ જતાં, પોતાની ગાડીમાં ભોગ બનનાર વિદ્યાર્થિનીને તેના ઘરે છોડી આવ્યો હતો. વિદ્યાર્થિની પોતાના ઘરે અર્ધબેભાન હાલમાં પહોંચ્યા પછી પણ તેના શરીરનું સંતુલન જળવાઇ રહ્યું ના હતું. જેથી ઘરમાં હાજર પરિવારને દીકરીની હાલત જોઇ શંકા ઉદ્દભવી. જેથી માતાએ આ અંગે દીકરીને પૂછતા તેણે ટ્યૂશન ક્લાસમાં બનેલી ઘટના જણાવી હતી. આ અંગે પીડિત યુવતીની માતાએ ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે એજ્યુકેશન ક્લાસના પ્રશાંત સર વિરુદ્ધ જાતીય સતામણી ઉપરાંત વિદ્યાર્થિનીને જોરજબરજસ્તી દારૂ પીવડાવવાનો ગુનો દાખલ કરી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.