અંજારની તિજોરી કચેરીમાંથી ચાંદીના દાગીના અને રોકડ સહિત 24.11 લાખની તસ્કરી


દુકાન, ઓફીસ કે ઘરમાં ચોરી થવાના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે પરંતુ હવે જ્યાં 24 કલાક ગાર્ડની હાજરી રહેતી હોય તેવી અંજારની તિજોરી કચેરીમાં ચોરી થવાની ઘટના જોવા મળતા ચકચાર ફેલાઈ. ગાર્ડ અવર-જવર કરે છે તે સ્થળેથી અંદર પ્રવેશ કરી વજન વાળા તાળા ખોલી અનેક પેટીઓ પૈકીની જેમાં નાણા અને દાગીના જ હતા તેવી માત્ર 2 પેટીઓના નકુચા તોડી રોકડ તથા દાગીના મળી કુલ રૂ. 24.11 લાખની ચોરીને અંજામ આપવાનો બનાવ બનતા તે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી. અંજાર પોલીસ મથકેથી અંજાર સ્થિત પેટા તિજોરી કચેરીના અધિકારી દર્શનાબેન વિશાલકુમાર વૈધની ફરિયાદને મુદે નજર રાખી પ્રાપ્ત થતી માહિતી અનુસાર અંજારની પેટા ટ્રેઝરી કચેરીમાં જુદી જુદી સરકારી કચેરીના વેલ્યુએબલ આર્ટિકલ બોક્સ, નાણા પેટી, ચૂંટણી પેટી વગેરે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે.અંજાર RTO કચેરીની કેસ પેટી ઉપરાંત વિવિધ પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં રાખી હતી અને ગાર્ડ તરીકે પ્રવીણભાઈ સારંગભાઈ હાજર હતા.
સવારે 11 વાગ્યે RTO કચેરીના કર્મચારીઓ પોતાની નાણાં ભરેલી પેટી લેવા આવ્યા હતા ત્યારે ફરિયાદી તેમના સાથે પેટી લેવા ગયા તે દરમ્યાન સ્ટ્રોંગ રૂમની સીલની દોરી કપાયેલી , દરવાજામાં મારવામાં આવેલા તાળાં પણ નજરે પડ્યા ના હતા. RTO કચેરીના કેસ બોક્સના નકુચા પણ તૂટેલા જોવા મળ્યા હતા તેમજ તેમાં રાખેલા રોકડા રૂ. 23,56,925 ના હતા. જે બાદ વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે મામલતદાર કચેરી દ્વારા જમા કરાવવામાં આવેલા આર્ટિકલ બોક્સનો નકૂચો તૂટેલો હતો.
જેમાંથી રૂ. 55 હજારની કિંમતના 1000 ગ્રામ વજનના 136 નંગ ચાંદીના જુદા જુદા ઘરેણાં પણ ચોરી કરાયા હતા. ત્યારબાદ પોલીસને બોલાવી વધુ તપાસ કરતા તિજોરી ગાર્ડનો પ્રવેશરૂમનો દરવાજો બહારથી બંધ હતો અને તે દરમિયાન ગાર્ડ પણ હાજર જોવા મળ્યો નહીં.. જો કે કોઈ અજાણ્યા ચોર સખ્શો દ્વારા RTO કચેરીના રોકડા રૂ. 23,56,925, મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવેલા રૂ. 55,000ની કિમતના ચાંદીના એમ મળી કુલ રૂ. 24,11,925ની ચોરી થઇ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેઝરી કચેરીમાં 2 શિફ્ટમાં 24 કલાક માટે પોલીસ જવાન પણ રાખવામાં આવેલ છે પરંતુ મહેકમની અછત તથા અન્ય કારણોસર એક પોલીસ જવાનને 24 કલાક માટે ટ્રેઝરી કચેરીની રખેવાળી કરવાની જવાબદારી સોપવામાં આવી હતી. તદ્દઉપરાંત દિવસના ભાગમાં સમન્સ બજાવવા સહિતની કામગીરી આપવામાં આવી હોવાથી આટલા બધા કામો વચ્ચે જે અરસામાં પોલીસ ગાર્ડ હાજર ન હતો તે સમયે જ ચોરીને અંજામ આપવામાં આવતા કામગીરીનો ભારણ હવે ફજરમાં બેદરકાર બન્યો છે અને આ બેદરકારી હવે તેનો ભગ લેશે તેવું પોલીસ સૂત્રએ જણાવ્યું હતું.
આ અંગે પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાર્ડ જે સમયે હાજર ન હતો, તે જ સમયે ચોરીને અંજામ આપવામાં આવ્યું , વળી તાળા કટર વડે કાપી લઇ ગયા હોવાનું પણ પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે, ઘણી બધી પેટીઓ હોવા છતાં પણ જેમાં નાણા તથા દાગીના હતા માત્ર તે 2 પેટીઓ જ તોડવામાં આવી છે, જેના પરથી કોઈ જાણભેદુએ આ ઘટનાણે અંજામ આપ્યો છે અથવા તો ચોરી માટેની ટીપ આપી હોવાની શંકાઓ ઉદ્દભવી રહી છે.
અંજાર પ્રાંત કચેરીના પ્રાંગણમાં આવેલી ટ્રેઝરી કચેરી જેમાં દરરોજ સરકારી લાખોની કિંમતના નાણા અને મહત્વના દસ્તાવેજો રાખવામાં આવાતા હોય છે ઉપરાંત પોલીસ દ્વારા પણ રખેવાળી માટે 24 કલાક ગાર્ડ રાખવામાં આવે છે. આટલી મહત્વની કચેરી હોવા છતાં ત્યાં એક પણ CCTV કેમેરો ન હોવાનું સામે આવ્યું હતું