સોનગઢ-ઉકાઈ રસ્તા પર ટેન્કર ચાલકે બાઈકને લીધું અડફેટે, યુવકનું સારવાર દરમિયાન થયું મોત

સોનગઢ-ઉકાઈ રસ્તા પર ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતાં વાગદા ગામના શખ્સનું સારવાર દરમિયાન મોત. ​​​​​બનાવને મધ્યે લઈને ઉકાઈ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સોનગઢના વાગદા ગામે નદી ફળિયામાં રહેતાં અવિત ભાઈ સુભાષ ભાઈ ગામીત સાંજના સમયે યામાહ બાઈક નંબર GJ/૦૫/MS/3458 લઇ સોનગઢ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન વ્યારા ખાતે નોકરી કરતાં અવિત ગામીતનો મિત્ર યોહાન ગામીત અને ઇન્દ્રજીત ગામીત બંને રહેવાસી ગુણસદા તેને મળ્યાં અને ત્રણે મિત્રો મોડે સુધી સોનગઢ મધ્યે વાતચીત કરવા બેઠા હતાં. રાત્રે 9:45 કલાકના સમયે અવિત અને યોહાન ગામીત પોતપોતાની બાઇક લઈને જ્યારે ઇન્દ્રજીત કાર લઈ ઘર તરફ જવા નીકળ્યા હતા.

​અવિત પોતાની યામાહા બાઇક પર આગળ ચાલતો , ગુણસદા ગામના હાર્દિક પેટ્રોલપંપ પાસેથી પસાર થતો હતો, ત્યારે એક ટેન્કર ચાલક પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી પેટ્રોલપંપથી ડીઝલ ભરાવી અચાનક રોડ તરફ આવી અને તેણે અવિતની બાઇકને અડફેટે લીધુ હતું.

આ ઘટનામાં અવિત રોડ પર ફેંકાઇ ગયો હતો અને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. આ અકસ્માતની જાણ  તેની પાછળ જ આવી રહેલાં મિત્રોને થતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અવિત ગામીતને પોતાની કારમાં સોનગઢ મધ્યે આવેલા  ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેને વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન અવિત ગામીતનું મોત થયું હતું. ઘટના અંગે યોહાન ગામિતે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ઉકાઇ પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.