રતિયા પાસે ફિલ્મીઢબે બોલેરોનો પીછો કરી ચોરી માટે નીકળેલા 2 યુવકોને ઝડપી લેવાયા 4 હજુ ફરાર


પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી વાયર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે માનકુવા પોલીસે ફિલ્મીઢબે બોલેરોનો પીછો કરીને ચોરી કરવા નીકળેલા 2 સખ્શોને પકડી પાડ્યા હતા.આ રેડ દરમિયાન 4 સખ્શો નાસી છૂટયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરી ચોરીના બનાવો થતાં અટકાવવા તથા ચોરી કરવા નીકળેલ સખ્શોને પકડી પાડવા માટે અને મિલકત સબંધી ચોરીના બનાવો થતાં રોકવા તથા શોધી કાઢવા સુચના આપવામાં આવી છે.
જે અનવ્યે માનકુવા પીઆઇ ડી.આર.ચૌધરીએ ચોરીના બનાવો થતાં અટકે તે માટે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગની વ્યુહાત્મક રણનીતી રચવાનું નક્કી કર્યું છે જેથી કોડકી-કમાગુના-ટાંકણાસર-રતીયાની સીમ વિસ્તારમા માનકુવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ કાનજીભાઈ મુળજીભાઈ ચારણ,મહીલા પો.કોન્સ સ્મીતાબેન ચંદુભાઈ દેસાઈ,રિધ્ધીબેન અમરસિહ ગઢવી તથા આઉટ સોર્સ ડ્રાઈવર કીશોરસિંહ સોઢા નાઈટ પેટ્રોલિંગમા હતા ત્યારે કોડકી રોડ ઉપર એક શંકાસ્પદ બોલેરો પીક અપ ગાડી નીકળી હતી, બોલેરો ગાડીની સાઈડમાં જઈ આગળ થવા જતા ચાલકે બોલેરો પુરઝડપે ભગાડી હતી.
જેથી સરકારી બોલેરોના ડ્રાઈવર કીશોરસિહ સોઢાએ પુરઝડપે તેનો પીછો કરી રતીયા ફાટકથી આગળ જતા બોલેરો પીકઅપ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી હતી અને તરત જ હેડ.કોન્સ કાનજીભાઈ તથા ડ્રાઈવર કીશોરસિહે નીચે ઉતરી પીકઅપ બોલેરો ગાડીમાથી ઉતરી ભાગતા છ સખ્શોમાથી બે સખ્શોને પકડી પાડયા.જેમાં નાના વરનોરા ગામના સાહીલ ઈશા ગાભા મોખા અને અસલમ સુમાર ઈશાક ત્રાયાની અટક કરવામાં આવી હતી.તેઓ પાસેથી સી.આર.પી.સી કલમ 102 મુજબ પીકઅપ બોલેરો નંબર GJ 12 AV 6064 કિ.રૂ.1 લાખ તેમજ મોબાઈલ અને લોખંડની 4 કટર કબ્જે કરવામાં આવી હોવાનું પીઆઇએ જણાવ્યું હતું.
માનકુવા પોલીસની આ કાર્યવાહી દરમિયાન ભુજના દાદુપીર રોડ પર રહેતો અલ્તાફ મામદ બાફણ તેમજ નાના વરનોરાના રીયાજ અભલો મમણ,મજીદ જુસબ ગગડા અને જાવેદ જખરા મમણ ભાગી ગયા હતા.
માનકુવા પોલીસે રાતના સમયે કરેલી આ કાર્યવાહીનો વીડિયો ખુદ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.