ખારી નદી રોડ પાસે ખુલ્લી કેનાલમાં બાળક પડતા ઘાયલ


ભુજ શહેરમાં ખારી નદી રોડ પાસે વરસાદના પાણી નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી હતી. જે ખુલ્લી તેમજ ભયજનક નિશાની વિના રાખી દેવામાં આવી છે, જેથી મોપેડ લઈને નીકળેલો બાળક મોપેડ સહિત કેનાલમાં પડી ગયો હતો. જેને માથાના ભાગે ઇજા પહોચતા ટાંકા પણ આવ્યા છે.ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા કાસમ સમાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરની ઉત્તર દિશામાં વિકસેલ માનવ રહેઠાણમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહે છે, જે વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ ખોદવામાં આવી હતી.
સ્થાનિક નગરસેવકો દ્વારા પાઈપ નાખી કેનાલ બનાવવા અથવા તો સ્ટોર્મ વોટર સિસ્ટમ બનાવવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, ભુજ નગરપાલિકાએ હજુ સુધી ધ્યાન આપ્યું નથી, જેથી અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાય છે. જે બાળક પડી ગયો તેને માથાના ભાગે વાગતા ત્રણ ટાંકા આવ્યા છે અને શરીરના અન્ય ભાગે પણ નાની મોટી ઈજાઓ પહોચી છે.