મેવાસા નજીક ડમ્પર ચાલક પર ટ્રકના પૈડાં ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

copy image

રાપર તાલુકાના મેવાસા નજીક પોતાના ડમ્પરનું એક્સલ ચેક કરી રહેલા ચાલક પર પૂરઝડપે જતી ટ્રકના તોતિંગ પૈડા ફરી જતાં ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાનો બનાવ આડેસર પોલીસ મથકે નોંધાયો છે. મોરબી રહેતા ટ્રાન્સપોર્ટર શૈલેષભાઇ થોભણભાઇ કરોતરાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ જીવલેણ અકસ્માતનો બનાવ આજે વહેલી પરોઢે સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન બન્યો હતો
જેમાં તેમની ટ્રાન્સપોર્ટમાં ડમ્પર ચલાવતા ચકુભાઇ ભરતભાઇ ધોળકિયા ગાગોદર થી ક્રિષ્ના હોટલ બાજુ જતા વળાંક પર મેવાસા પાસે ડમ્પરનું એક્સલ તૂટી જતાં ડમ્પર ઉભું રાખી એક્સલ તપાસી રહ્યા હતા તે દરમિયાન પાછળ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે તેમને અડફેટે લેઇ લેતા ટ્રકના તોતિંગ ટાયર તેમના ઉપરથી ફરી જતાં ઘટનાસ્થળે તેમનું મોત થયું હતું.
108 મારફતે પલાસવા સરકારી હોસ્પિટલ મધ્યે મૃતદેહ લઇ જવાયો હતો. શેલેષભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે આડેસર પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોક છવાયો હતો.