ગુજરાત ATSએ પંજાબના ગેંગસ્ટરની અટક કરી ભુજની સ્પે. કોર્ટમાં રજૂકરાતા, 9 દિવસના રિમાન્ડ મંજૂર 

કચ્છના મુન્દ્રા બંદર સ્થિત સીએફએસમાંથી ગત માસે ગુજરાત ATSએ રૂ. 376.50 કરોડની કિંમતના 75.300 કિલોગ્રામ હેરોઇનના જથ્થાને પાઇપ પર વીંટાયેલા કાપડના રોલમાંથી ઝડપ્યો હતો. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે પકડાયેલા ડ્રગ્સ બાબતે ગુજરાત ATSએ પ્રથમ આરોપી દિપક અશોકની અટક કરી લીધા પછી હવે આ કેસમાં સંડોવાયેલા પંજાબ રાજ્યના કુખ્યાત ભુટાખાન ઉર્ફે બગ્ગાખાન ગુર્જરની ફરીદકોટ જેલમાંથી અટક કરી રિમાન્ડ માટે ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયો. કેસની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટે હિસ્ટ્રીસીટર બુટાખાનના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મુન્દ્રા બંદર પાસેના કન્ટેનર ફ્રેટ સ્ટેશનમાં પડતર કન્ટેનરની અંદર માદક પદાર્થ હોવાની ગુજરાત ATSને પંજાબ ઇન્ટેલિજન્સ દ્વારા ઇનપુટ જારી કરાયા હતા. જેના આધારે એજન્સી દ્વારા ગત માસે મુન્દ્રા સીએફએસમાંથી કાપડના રોલમાં છુપાવેલો રૂ. 376 કરોડ 50 લાખની કિંમતનો હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કેસમાં પંજાબ રાજ્યમાં હત્યા, ધાડ અને ડ્રગ્સ સહિતના 45 ગુનાનો આરોપ ધરાવતા ગેંગસ્ટર બુટાખાનની ફરીદકોટ જેલમાંથી અટક કરી ડ્રગ્સ મામલે વધુ તપાસ માટે ભુજની NDPS કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આરોપી બુટા ખાનના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ભુજ NDPS કોર્ટના પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપીએ જેલમાં રહીને ભારે માત્રામાં ડ્રગ્સનો જથ્થો ગુજરાત મંગાવી દેશમાં ઘૂસાડવાનો મનસૂબો ઘડાયો હતો. આ દરમિયાન જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ તથા વોટ્સએપ ચેટ અને કોલિંગ કરી આ કેસમાં સામેલ લોકો સાથે સંપર્ક કર્યો હોવાની શંકાના આધારે ગુજરાત ATS દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તેમાં કેટલાક વાઈટ કોલર વ્યક્તિઓ સાથેના, તેના સંપર્ક વિશે જાણી શકાય તેમ છે.