ગુજરાતના પોલીસ મહાનિર્દેશક DGP તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ડૉ. કે. એલ. એન. રાવ બે દિવસીય કચ્છના પ્રવાસે

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક DGPતરીકેનો પદભાર સંભાળ્યા બાદ ડૉ. કે. એલ. એન. રાવ બે દિવસીય કચ્છના પ્રવાસે પહોંચ્યા છે. કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે સંવેદનશીલ અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી તેમની આ મુલાકાત સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. પોતાના બે દિવસના રોકાણ દરમિયાન DGP રાવ BSF, ભારતીય સેના, કોસ્ટગાર્ડ અને અન્ય ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા અને વિવિધ એજન્સીઓ વચ્ચે વધુ બહેતર સંકલન સાધવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. DGP ડૉ. રાવ કચ્છના છેવાડાના સરહદી ગામોની રૂબરૂ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, ‘બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ’ હેઠળ આગામી સમયમાં પોલીસ વિભાગને લગતી આધુનિક સુવિધાઓ અને માળખાગત વિકાસના કાર્યોની પણ તેઓ સમીક્ષા કરશે. સરહદ પર તૈનાત પોલીસ જવાનોની સુખાકારી અને સુરક્ષા ક્ષમતા વધારવા પર આ મુલાકાત દરમિયાન વિશેષ ભાર મૂકવામાં આવશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી થતી ઘૂસણખોરી કે ડ્રગ્સની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પણ પોલીસ વડા દ્વારા મહત્વના નિર્દેશો આપવામાં આવે તેવી શક્યતા છે