કચ્છના સરકારી દવાખાનાઓમાં વાયરલ ફીવરના કેસોમાં વધારો રોજ 1500 દર્દી

કચ્છ જિલ્લામાં હાલ તહેવારોની સિઝનમાં રોગચાળાએ જાણે જાળ પાથરી છે. છેલ્લા એક મહિનાથી આ પરિસ્થિતિના કારણે દવાખાનાઓમાં પણ હજુ  દર્દીઓનો ઘસારો અટકાટો નથી. માત્ર સરકારી દવાખાનામાં નહિ પરંતુ ખાનગી હોસ્પિટલો-ક્લિનિકમાં પણ દર્દીઓની ભીડ જામે છે ત્યારે જિલ્લાના સરકારી દવાખાનાઓમાં દરરોજ તાવના 1500 જેટલા દર્દીઓ આવતા હોવાનું રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.જીતેશ ખોરાસીયાએ માહિતી આપતા કહ્યું કે, હાલમાં વરસાદની સીઝન બાદ વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આવેલા સરકારી દવાખાનાઓમાં દરરોજ 1500 જેટલા તાવના દર્દીઓ આવે છે.

તેઓને સારવાર આપવામાં આવે છે, વધારે લક્ષણ દેખાઈ આવે તેવા દર્દીઓના રિપોર્ટ કરવામાં આવે છે. હાલમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર હોવાથી ફિલ્ડ સર્વેલન્સની કામગીરી પર અસર પડી છે પરંતુ ડોક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવતી હોવાથી હાલ પરિસ્થિતિ જિલ્લા આરોગ્ય વિભાગના નિયંત્રણ હેઠળ હોવાનું કહ્યું હતું.