કોર્ટમાં બોગસ બીલો રજુ કરી પોલીસે પકડેલો 83.19 લાખનો જથ્થો છોડાવી ગયા

ગાંધીધામમાં પોલીસે ચોરીનો મનાતો સોપારીનો જથ્થો લઈ જતી પકડેલી ટ્રક અને માલ અંગે ઉંડી તપાસ થાય તે પહેલાં જ ચીટરીયાઓ બોગસ દસ્તાવેજો રજુ કરી કોર્ટના હુકમથી 83.19 લાખ કિંમતની 27,730 કિલોગ્રામ સોપારીના જથ્થો ભરેલી 20 લાખની ટ્રક કોર્ટના હુકમથી છોડાવી લઈ સગેવગે કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં ઘટનાની તપાસ કરી રહેલા ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાએ બનાવ અંગે ગાંધીધામ, જામનગર, દિલ્હી, હરિયાણાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર મળી સાત આરોપી વિરુધ્ધ ગંભીર કલમો હેઠળ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડીવાયએસપીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.30/6 ની રાત્રે 8 વાગ્યે બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મોડવદર પુલિયા પાસે ભચાઉ તરફ જતા ટ્રેઇલરને અટકાવી આધાર-પૂરાવા વગરનો 83.19 લાખની સોપારીનો જથ્થો મળી આવતાં ડ્રાઈવર મુસ્તાક મોહમ્મદ ફારૂક મેવ (રહે. હરિયાણા)ની અટક કરી સોપારી અને ટ્રકને મુદ્દામાલ તરીકે સીઝ કરી તે અંગે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી હતી.

પોલીસ કાર્યવાહીના બીજા જ દિવસે ગાંધીધામના કિડાણાના હાજી નુરમામદ ચાવડા નામના શખ્સે ડ્રાઈવરનો જામીનદાર બની પોલીસ મથકમાંથી તેને જામીનમુક્ત કરાવી દીધો હતો. તો બીજી તરફ, ગાંધીધામની નીચલી અદાલતમાં સોપારીનો જથ્થો છોડાવવા માટે નીતિન દયાલભાઈ ભારવાણી નામના શખ્સે જરૂરી ઈ-વે બિલ જોડીને અરજી કરી હતી. ચોથા દિવસે ટ્રક છોડાવવા વાહન માલિક અજીતસિંહ ઓબેરોયના નામની જનરલ પાવર ઓફ એટર્ની સાથે રાકેશ ગ્રોવર નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અધિક જ્યુ. મેજિસ્ટ્રેટએ બીલ, દસ્તાવેજો જોઈને જરૂરી શરતો સાથે ટ્રક અને સોપારીના મુદ્દામાલની કસ્ટડી અરજદારોને સુપ્રત કરતો હુકમ કર્યો હતો. આરોપીઓએ ગુનાહિત ષડયંત્ર રચીને ખોટા ઈ-વે બિલ બનાવી, ઠગાઈ કરવાના હેતુથી તેનો સાચાં દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી, કૉર્ટમાં રજૂ કરીને એકબીજાની મદદગારીથી મુદ્દામાલ છોડાવી લીધો હોવાનું સ્પષ્ટ થયાં બાદ DySP ઝાલાએ જાતે સરકાર તરફે ફરિયાદી બનીને રાજેશભાઈ નામના શખ્સ, નીતિન ભારવાણી, ભાવિક ભંડેરી, શક્તિરાજ હેરમા, અજીતસિંહ ઓબેરોય, રાકેશ ગ્રોવર, મુસ્તાક મેવ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.