રાજકોટમાં એક સખ્શે સગીરાને લગ્નની લાલચ આપી, અપહરણ કરી દુષ્કર્મ આચર્યું 


રાજકોટમાં વધુ એક સગીરા દુષ્કર્મનો બની શિકાર. આરોપીએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યું. ત્યારબાદ અવારનવાર અલગ-અલગ જગ્યાએ લઇ જઇ સગીરા પર દુષ્કર્મ આચર્યું. સગીરાને ગર્ભ રાખી દેતા દીકરીને જન્મ આપ્યો હતો. તેથી આરોપી બબલુ ચૌહાણ સામે આજીડેમ પોલીસ દ્વારા અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મૂળ બિહારના અને હાલ છેલ્લા ઘણા સમયથી મજૂરી કામ માટે રાજકોટ શહેરમાં આવેલા પરિવારની 15 વર્ષની દીકરી સાથે આ બનાવ બન્યો છે. શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મહિલાએ પોલીસમાં ફરિયાદ દર્જ કરાવી છે. તેમાં જણાવ્યું કે, છેલ્લા એકાદ વર્ષથી બબલુ ચૌહાણ નામનો યુવાક મારી 15 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો. પછી તે અલગ અલગ જગ્યા પર લઇ જઇ સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો. જેથી મારી 15 વર્ષની દીકરીને ગર્ભ રહી જતાં ગઈકાલે તેને દીકરીને જન્મ આપ્યો.
ફરિયાદના આધારે આજીડેમ પોલીસ દ્વારા અપહરણ કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર સખ્શ બબલુ ચૌહાણ સામે IPC કલમ 363, 366, 376(2)એન, 376(3), તથા પોક્સો એક્ટની કલમ 5(જે)(2) તથા 6 અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે હાલ સગીરા અને તેની બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.