તમિલનાડુના વેપારીને ભુજમાં બોલાવી સસ્તા સોનાના નામે 3 લાખ લૂંટ્યા

વધુ એકવાર ભુજમાં સોનાના વેપારીને બોલાવીને સસ્તામાં સોનુ આપવાનું કહી 3 લાખની લૂંટ કરવાનો બનાવ સામે આવ્યો. અંજલિનગરમાં આવેલા મકાનમાં લઈ જઈ માર મારી રૂપિયા કાઢી લેતા આ બનાવ અંગે બી ડીવીઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તમિલનાડુના સોનાના વેપારી મણીકંદન રામદાસ ચેટીઆરે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું કે, આજથી 20 દિવસ પહેલા વોટ્સએપમાં જાહેરાત આવી હતી કે 20 થી 30 ટકા ઓછા દરે સસ્તામાં સોનું આપવામાં આવશે જેથી ફરિયાદીએ તે મોબાઈલ નંબર પર સંપર્ક સાધતાં સામેવાળાએ પોતાનું નામ રાજેશ પટેલ જણાવ્યું હતું.

ત્યારબાદ આ રાજેશ દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઈ સસ્તામાં સોનુ લેવા માટે રોકડા પાંચ લાખ લઈ ભુજ રેલવે સ્ટેશન બોલાવાયો હતો. જેથી ફરિયાદી તેના મિત્ર સાથે ટ્રેન વડે ચેન્નઈથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ પહોંચ્યા.રાજેશ પટેલ દ્વ્રાર વીઆરપી ગેસ્ટ હાઉસમાં બંનેના રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સવારે 11:00 કલાકે ગેસ્ટ હાઉસ નીચે જીજે 12 ઇઈ 1123 નંબર ધરાવતી એક સ્વીફ્ટકાર આવી ,જેમાં રાજેશભાઈ પટેલ, ડ્રાઇવરની સીટ પર અલ્તાફ અને તેની બાજુમાં એક વ્યક્તિ બેઠો હતો.

રાજેશભાઈએ આપણે ઓફિસ જઈએ એવું કહી બંનેને ગાડીમાં બેસાડ્યા અને એક ઘરમાં લઈ ગયા જેથી ફરિયાદીએ કહ્યું કે, આ તો ઘર છે. ત્યારે રાજેશભાઈએ અમારું ઘર જ ઓફીસ હોવાનું જણાવ્યું હતું.  તે દરમિયાન સામાવાળાએ વાતચીત કરી હતી અને ફરિયાદીએ રાજેશ પટેલને બે લાખ રૂપિયા આપ્યા ત્યારે ત્રણ સખ્શોએ તમે નીચે બેસો અમે ઉપર બીજા માળેથી સોનુ લઈ આવીએ તેવું કહ્યું હતું.

 આ દરમિયાન રાજેશભાઈ અને અલ્તાફ ફરિયાદી પાસે આવ્યા અને કહ્યું કે, આ રૂપિયા તો ઓછા છે તમારે વધારે રૂપિયા આપવા પડશે. એક અજાણ્યો સખ્શ અને અન્ય બે મહિલાઓ આવી અને ફરિયાદી સાથે ઝઘડો કરવા લાગ્યા અને તેમના થેલા ચેક કરી, ગાળો આપી માર મારી થેલામાં રહેલા રોકડા રૂપિયા એક લાખ કાઢી લીધા અને ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ પીએસઆઇ માવજીભાઈ મહેશ્વરીને સોંપવામાં આવી છે.


ભોગ બનનાર વેપારી તમિલનાડુના છે ,તેમની ભાષા સ્થાનિક પોલીસ સમજી શકે તેમ ન હતી. લૂંટનો ભોગ બન્યા બાદ વેપારી રીક્ષા કરીને એ ડિવિઝન ગયા હતા અને ત્યાંથી તેઓને બી ડિવિઝન મોકલવામાં આવ્યા હતા. એ ડિવિઝન પીએસઆઈ રજી થોમસ તમિલના જાણકાર હોવાથી તેમની હાજરીમાં ફરિયાદ દાખલ કર્યા બાદ ફરિયાદીને તમિલ અને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરીને સંભળાવવામાં આવી.

ચીટર રાજેશ પટેલ દ્વારા ફરિયાદી સાથે અંગ્રેજી ભાષામાં વાત કરવામાં આવી હતી.વેપારીએ રાજેશની સાથે રહેલા માણસનો વિડિઓ બનાવ્યો હતો જે પોલીસને આપવામાં આવ્યો તેથી આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી.