અંજારના વરસામેડી પાસે જાહેર રસ્તા પર ગટરોના પાણી ભરાતા લોકોને ભારી હલાકીનો કરવો પડે છે સામનો

અંજાર તાલુકાના વરસામેડી નજીક બાગેશ્રી, કૃષ્ણા, અંબાજી સહિતની રેસિડેન્સીમાં ગટર વ્યવસ્થામાં ઉત્પન થયેલી ઉણપના કારણે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર ભરાયા. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને ના છૂટકે ગટરના પાણીમાથી પસાર થવુ પડે છે. હાલ ચાલી રહેલા મૌસમી રોગચાળાના સમયમાં એરપોર્ટ ચાર રસ્તા નજીક બનેલી સોસાયટીઓ પાસે ભરાયેલા ગટરના પાણીથી રોગચાળો વધવાની શક્યતા જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી આ પ્રશ્નનો નિકાલ લાવવા તંત્ર સમક્ષ માંગ કરાઇ છે.

આ અંગે કૃષ્ણા અને બાગેશ્રી રેસિડેન્સીના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકોએ પીએમ આવાસ યોજના હેઠળ ડેવલોપર્સમાં પોતાના મકાન ખરીદી અહીં વસવાટ કરે છે પરંતુ ત્યારબાદ નવી બનેલી સોસાયટીની વોલના કારણે મુખ્ય ગટર લાઇન ઢંકાઈ જતા સાફ થઈ શકતી નથી તેથી ગટરના પાણી લાઈનમાંથી ઓવરફ્લો થઈ જાહેર રસ્તા પર ભરાયેલા રહે છે.

આ સમસ્યામાં હવે દિનપ્રતિદિન વધારો થતો જાય છે. જેનો કાયમી અવરજવર કરતા હજારો લોકોને ભોગ બનવું પડે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને મહિલા વર્ગને ભારે હાલાકી વેઠવી પડે છે. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પણ કોઈ ધ્યાન આપવામાં નથી આવતો તેવા આરોપ લોકો દ્વારા થઈ રહ્યા છે. સંબધિત તંત્ર દ્વારા તાકીદે આ પ્રશ્નનો નિકાલ કરાય એવી લોકોએ માંગ કરી હતી.