માંડવીના ટોપણસર તળાવમાં પગ લપસી જતા આધેડનું મોત, ભરાપરમાં યુવતીએ દવા પી જીવન ટૂંકાવ્યું

માંડવી શહેરના ટોપણસર તળાવ પાસે ભરાયેલા મેળામાં ગયેલ આધેડ વ્યક્તિનો તળાવની પાળ પરથી પગ લપસ્તા ડૂબી જવાથી મોત નીપજયું હતું. જ્યારે ભરાપર ગામે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા 19 વર્ષીય યુવતીનું સારવાર પહેલા જ મૃત્યુ થયું હતું. માંડવી પોલીસ દ્વારા બંને ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરાઈ છે.

માંડવીના ઐતિહાસિક ટોપણસર તળાવ પાસે મેળો ભરાયો હતો. જ્યાં શહેરના સલાડ ચોકમાં રહેતા 52 વર્ષીય ભરત મોહનલાલ મોઢવાણી તળાવ કિનારે ઉભા હતા ત્યારે સવારના અરસામાં અકસ્માતથી તેમનો પગ લપસી પડતાં તે તળાવના પાણીમાં પડી ગયા અને ડૂબી જતાં મોત થયુ હતું. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેમના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ભરાપર ગામ મધ્યે રહેતા કરશન જીવરામ પટ્ટણીના 19 વર્ષીય પુત્રી કાંતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર પહેલા જ મોત નીપજયું હતું. પોલીસે આ બનાવમાં આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.