રોડ રસ્તા અને રાજકરણ:- 18 કરોડના ખર્ચે માર્ગોના ખાડા પુરી ડામર ચડાવાશે, પાલિકાએ પ્રસ્તાવ મુક્યો પણ ગ્રાન્ટ હવે રીલીઝ થશે, ટેન્ડર બહાલ થયા

copy image

ગાંધીધામમાં માર્ગોની ખસ્તા હાલ પરિસ્થિતિના કારણે ઉઠેલા જનઆક્રોશએ બહુતરફી વિરોધનો સૂર ઉઠાવ્યા. આટલા સમયથી વરસાદ બંધ થતા કામ શરૂ કરાશે તેવો દાવો કરતી નગરપાલિકા દ્વારા મલબો નાખવા અને લેવલીંગનું કામ બે દિવસથી શરૂ કરાયું છે, પહેલા ધારાસભ્ય, સીઓ અને દબાણ શાખાના અધિકારીઓ તો બીજા દિવસે કારોબારી ચેરમેન કાર્યનું નિરીક્ષણ કરવા ઓનગ્રાઉન્ડ જોવા મળ્યા હતા. આ વચ્ચે નગરપાલિકા દ્વારા 18 કરોડના ખર્ચે માર્ગોનું રીસર્ફેસીંગ કરવાની દરખાસ્ત પણ મુકાઈ છે, જેની ટેન્ડરીંગ પ્રક્રિયા ચાલુ હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

વરસાદ બાદ ગાંધીધામ આદિપુરના રોડ રસ્તાઓની હાલત આ વર્ષે એટલી હદે ખરાબ થઈ ગઈ કે કોઇ વાહન ચલાવવાનું તો બીજી બાજુ રહ્યું આ  માર્ગો પર પગે ચાલીને જવું પણ અગ્નીપરીક્ષા સમાન બની ગયું છે. જેના કારણે શહેરના સુજ્ઞ વર્ગમાં ઉઠેલા જનઆક્રોશથી બાબત રજુઆતો, નગરપાલિકામાં મોરચાઓ, જનસભાઓ, કાયદાકીય લડાઈઓ સુધી પહોંચી હતી. લોકોની જાગૃતિ અને રોષને જોઇને તંદ્રામાંથી જાણે તંત્ર ઉઠ્યું હોય તેમ છેલ્લા બે દિવસથી શહેરના માર્ગોમાં મલબો પાથરવા, ખાડા પુરવાનું કાર્ય કરાઈ રહ્યું છે.

પરંતુ મલબાના કારણે વરસાદ બાદ તે કિચડનું સ્વરૂપ ધારણ કરતા હોવાના પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. આ વચ્ચે ચીફ ઓફિસર દર્શનસિંહ  ચાવડાએ જણાવ્યું કે સંકુલમાં 18 કરોડના ખર્ચે માર્ગોના રીસર્ફેસીંગના કાર્યો માટેની દરખાસ્ત રાજકોટની વડી કચેરી સમક્ષ મુકાઈ ચુકી છે, તો તેનું ટેન્ડરીંગ પ્રક્રિયાની પણ એડવાન્સમાં અનુમતી મળતા હાથ ધરાઈ ચુકી છે. હજી ગ્રાન્ટ રીલીઝ નથી થઈ પરંતુ પ્રક્રિયાઓ મંજુરીથી આરંભી દેવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ આ સાથે અગાઉ પણ થયેલા આ પ્રકારના રીસર્ફેસીંગના કાર્ગોમાં ખરેખર ગુણવતા કેટલી જળવાશે અને શું આ કાયમી ઉકેલ છે? તે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.