8 વર્ષના શાસનકાળ દરમ્યાન મોદી છઠ્ઠી વખત આવશે કચ્છ

ભુજ શહેરમાં 28મી ઓગસ્ટના રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્મૃતિવનના લોકાર્પણ ઉપરાંત અનેક વિકાસકામોનો પ્રારંભ કરાવવા આવશે, જેથી કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયમાં પૂર્વ  તૈયારીનો લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં વિશાળ જાહેર સભાના માધ્યમથી કચ્છ અને ગુજરાતની જનતાને સંબોધશે એટલે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ એકત્ર થઈ આ કાર્યક્રમની સફળતા માટેના આયોજનમાં વ્યસ્ત છે.

કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે અનેક વખત કચ્છ આવી ચૂક્યા હતા અને દેશની શાસનકાળ સંભાળ્યા પછી 8 વર્ષના શાસનમાં છઠ્ઠી વખત કચ્છની મુલાકાતે આવે છે. જે સમગ્ર કચ્છીઓ માટે ખુબ ગૌરવની વાત છે. જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, મહામંત્રીઓ અનિરૂદ્ધ દવે, વલ્લમજી હુંબલ, શિતલ શાહ, ત્રિકમ છાંગા, કૌશલ્યાબેન માધાપરીયા, રમેશભાઇ મહેશ્વરી, દેવજી વરચંદ સહિતના આગેવાનો હાજર રહ્યા જણાવાયું હતું.ભુજમાં વડાપ્રધાનના રોડ શો માટે મુખ્યત્વે ભુજ શહેર અને તાલુકા મંડલને વિશેષ જવાબદારી સોંપવામાં આવી. અંદાજીત પોણા ત્રણ કિલોમીટર લાંબા રોડ શો ને અલગ અલગ 14 ક્લસ્ટરમાં વહેંચીને પ્રત્યેક ક્લસ્ટર દીઠ કાર્યકરોની સંખ્યા અને વ્યવસ્થા માટે જુદી જુદી ટીમોને વ્યવસ્થા સોંપવામાં આવી છે.