ભલે વડાપ્રધાનને સારું દેખાડવા તો સારું દેખાડવા પણ એરપોર્ટથી સ્મૃતિવન, કચ્છ યુનિવર્સિટી સુધી ઝાડીની હજામત થઈ


ભુજ શહેરમાં 28મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, જેથી અ
એરપોર્ટથી છેક સ્મૃતિવન વાયા કચ્છ યુનિવર્સિટીના રિંગ રોડને સુંદર બનાવવા ઉપરાંત ડિવાઈડરમાંથી હદ બહાર વધી ગયેલી ઝાડીની પણ હજામત શરૂ થઈ ગઈ છે. આમ, ભલે લોકોની સુવિધા માટે નહીં પણ વડાપ્રધાનને સારું દેખાડવા પણ ઈચ્છનીય કામગીરી તો થઈ. એવું ચોરે અને ચોકે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જે સંબંધિત તંત્ર ઉપર ચાબખા સમાન છે. 2001ના ભૂકંપ બાદ નવનિર્માણની કામગીરીના ભાગ રૂપે રિંગ રોડ પણ બન્યા છે અને રિંગ રોડને જોડતા અન્ય રોડ પણ છે.
જે રોડની વચ્ચે અને અડખે પડખે ડિવાઈડર ઉપર નિયમિત સાફ સફાઈ અને ઝાડી કટિંગ થતી નથી, જેથી છેક રોડ ઉપર આવી ગઈ હતી. જે વાહન ચાલકો માટે પરેશાનીનું કારણ બની ગઈ હતી. નગરપાલિકા દ્વારા સફાઈ અને નાળા સફાઈનો ઠેકો અપાય છે ત્યારે તેમાં ઝાડી કટિંગનો પણ સમાવેશ કરાયેલો હોય છે. પરંતુ, હજુ સુધી એકેય ઠેકેદારે ઝાડી કટિંગની કામગીરી કરી નથી. પરિણામે ફૂટપાથ અને ડિવાઈડર જ ઢંકાઈ જાય છે. 28મી ઓગસ્ટ, રવિવારે આવતા વડાપ્રધાનને સારું દેખાડવા ઝાડી કટિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે. જે કેટલી હદે હદ પાર કરી ગઈ હતી. એ ફોટા ઉપરથી સમજી શકાય એમ છે.
એરપોર્ટથી સ્મૃતિવન અને સભા સ્થળ સુધીના લગભગ 12 કિમીના રસ્તાની બન્ને તરફ આવતી સેંકડો કેબીનો અને લારીઓને હટાવવા પોલીસ દ્વારા મૌખિક સૂચનાઓ આપવાનો શરૂ થઇ ગયું છે. નાયબ પોલીસ વડા જે.એન. પંચાલને પૂછતા તેમણે કહ્યું કે, સલામતી સંદર્ભે અમે તેમને તાકીદ કરી છે. આ વિશે નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલનો ટેલિફોનિક સંપર્ક કરીને પૂછ્યું કે, લારી ગલ્લા, કેબિન માલિકોને ખસી જવા નોટિસો અપાઈ છે. તેમણે કહ્યું કે એ તો ક્યારની હટાવાઈ છે. વડાપ્રધાન આવવાના છે એટલે એમના રૂટ ઉપરની તમામ કેબિનોને બે ત્રણ દિવસ માટે ખસી જવા નોટિસો અપાઈ હોવા વિશે પૂછતા તેમણે કહ્યું કે, હા, એ તો સિક્યુરિટીના હેતુથી ખસેડાશે.