મુન્દ્રામાં સુધારાઈના નગરસેવકના બે પુત્રો સહિત 6 લોકો જુગાર રમતા ઝડપાયા


શ્રાવણ માસમાં જુગારનું દુષણ વ્યાપકપણે ફેલાઈ જતું હોય છે જેને ડામવા પોલીસ તંત્ર ઠેર ઠેર દરોડા પાડે છે. જેમાં ક્યારેક મોટાં માથા કે તેમના મળતીયા પણ પોલીસના હાથે ઝડપાતા હોય છે. આજ પ્રકારે મુન્દ્રા તાલુકાના ગુંદાલા નજીકથી ભાજપ અગ્રણી અને નગર સેવક હરિભાઈ ગોહિલના બે પુત્રો પણ જુગાર રમતા ઝડપાયા. જેથી સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી હતી. મુન્દ્રા મરીન પોલીસે કુલ 6 આરોપીઓને રૂ. 49 હજારની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
આ વિશે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા મરીન પોલીસના પીએસાઈ જી.વી.વણીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે તાલુકાના ગુંદાલા ગામની સીમમાં પૂર્વ દિશાએ બાવળની ઝાડીમાં તીન પત્તિના જુગાર વડે પૈસાની હાર જીત થતી હોવાની બાતમી પો.હે. યશપાલસિંહ જાડેજાને મળતા ઘટનાસ્થળે દરોડો પાડી છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી રૂ. 49,480ની રોકડ સહિત કુલ રૂ. 59,980નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ દરોડામાં પકડાયેલા છ આરોપીઓ પૈકી જીગર અને ભરત બન્ને મુન્દ્રા નગરપાલિકાના નગરસેવક હરિભાઈ ગોહિલના પુત્રો છે. હરિભાઈ પોતે ભાજપ પક્ષના સક્રિય કાર્યકર પણ છે. ત્યારે તેમના પુત્રો જુગાર ધારા હેઠળ ઝડપાતા સમગ્ર મામલે જિલ્લામાં ચકચાર મચી.