મેઘપર-બો.માં લાકડાના વેપારીના ઘરેથી રૂ. 4.52 લાખની તસ્કરી


અંજાર તાલુકાના મેઘપર-બો.માં સાતમ આઠમ માટે ગામડે ગયેલા પરિવારના બંધ ઘરમાથી અજાણ્યા સખ્શોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. 4.52 લાખની ચોરી કરતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ અંગે અંજાર પોલીસ મથકેથી મૂળ નખત્રાણા તાલુકાના મોટી ખોંભડી ગામના અને હાલે અંજાર તાલુકાના મેઘપર-બો.ના લખુબાપા નગરમાં રહેતા અને લાકડાનો ધંધો કરતા નરેન્દ્રભાઈ કરશનભાઇ વાડીયા (પટેલ) ની ફરિયાદને નજરે રાખી વિગતો અનુસાર ફરિયાદી પોતાના પરિવાર સાથે સાતમ આઠમ પર્વે પોતાના ગામ મોટી ખોંભડી ગયા હતા.
તે દરમ્યાન કોઈ અજાણ્યા ચોર શખ્સો દ્વારા ફરિયાદીના ઘરની અંદરના રૂમમા કબાટમા રાખેલા રોકડા રૂપિયા 90 હજાર તથા બીજા રૂમના કબાટમા રાખેલા 2 સોનાની ચેઇન, 4 સોનાની વીંટી, 1 સોનાની ચેઇનનો પેંડલ, બુટ્ટી શેરૂ, 3 જોડી સોનાની બુટ્ટી, 3 સોનાના સિક્કા તથા 5 ચાંદીના પગના ઝાંઝર, ચાંદીનો કંદોરો, 2 ચાંદીની વીંટી, 4 ચાંદીના દીવા, 2 ચાંદીના સીક્કા તથા રોકડ રૂ. 1,10,000 એમ કુલ સોના અને ચાંદીના ઘરેણાં જેની કિં.રૂ. 2,52,000 તથા રોકડ રૂ. 2 લાખ મળી કુલ 4,52,000ની ચોરી કરી હતી.
બંધ ઘરનું તાળું તૂટેલું જોતાં બાજુમાં જ રહેતા ભાઈએ ઘરમાં તસ્કરી થઈ હોવાની જાણ કરતા ફરિયાદીને આ ચોરીની બનાવની જાણ થઈ. જેથી ફરિયાદીએ અજાણ્યા સખ્શ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ કરી રહી છે.