ભારાસરના કિશોરે આંખની રોશની ગુમાવાતા, તબીબોએ પાછી અપાવી

ભુજ તાલુકાના ભારાસર ગામના કિશોરને ડાબી આંખમાં કાંટો વાગવાના કારણે તેમાં પૂર્ણરીતે દેખાવાનું બંધ થઈ જવાને કારણે ભુજની અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં આંખ વિભાગની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત આંખમાં નેત્રમણી બેસાડી દ્રષ્ટિમાં પુનઃ ચેતનાનો સંચાર કરાયો હતો. આ અંગે માહિતી આપતાં આંખના નિષ્ણાત ડૉ. અતુલ મોડેસરાએ કહ્યું કે, 11 વર્ષના જાન મામદને ડાબી આંખમાં કાંટો વાગવાથી તેની આંખની જોવાની શક્તિ લુપ્ત થઈ ગઈ હતી.

કિશોરના પરિવારે શહેરની જુદી-જુદી હોસ્પિટલની મુલાકાત કરી, છેવટે અહી આવતા તેની તપાસ કરતાં જણાયું કે, આંખમાં કાંટો વાગવાના કારણે મોતિયો પાકી ગયો હતો એટલે તાત્કાલિક ઓપરેશનનો નિશ્ચય કરાયો. આંખમાં નેત્રમણી બેસાડાતાં દ્રષ્ટિ પુનઃપ્રાપ્ત થઇ ગઇ હતી. ડૉ. નિખિલ રૂપાલા, ડૉ. કિંજલ મહેતા, ડૉ. ચિંકિત વોરા, ડૉ. જલદીપ પટેલ, ડૉ. વૈભવી મેંદપરા, ધ્રુવ વિરસોદીયા, કૈલાશ દવેએ સહકાર આપ્યો હતો. કિશોરના પિતા જરાભાઈ સમાએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.