એસટી બસ ફાળવણી અંગે અપડાઉન કરતા છાત્રોએ બરાયામાં હલ્લાબોલ કર્યો

copy image

મુન્દ્રાથી ભુજ તરફ જતાં 12 કિમી દૂર આવેલ બરાયા ખાતે એસટી બસની ફાળવણી અંગેનો પ્રશ્ન ઘણા સમયથી ઉકેલાયેલો નથી.તેથી આજે રોષે ભરાયેલા છાત્રોના ટોળાંએ સૂચિત રૂટ પરથી પસાર થતી ભુજ ની ત્રણ બસો અટકાવી અને હલ્લાબોલ કરતાં અન્ય મુસાફરો અટવાયા હતા. જેથી તાત્કાલિક ધોરણે મુન્દ્રા ડેપો એ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની બસ મોકલતાં મામલો શાંત પડ્યો હતો. મળતી માહિતી અનુસાર બરાયા ગામે થી અંદાજિત ચાલીસ થી વધુ છાત્રો તેનાથી પાંચ કિમી દૂર આવેલા કારાઘોઘા સ્થિત પ્રા.શાળામાં અભ્યાસ અર્થે અપડાઉન કરે છે.

અગાઉ મુન્દ્રા થી ઉપડી ભુજ જતી બસ ભુજની કોલેજોમાં જતા વિધાર્થીઓથી ખીચોખીચ ભરાઇ જતાં બરાયા ઉભી રાખવામાં આવતી નહિ. ત્યારે છાત્રોના વિરોધને પગલે મુન્દ્રા ડેપો દ્વારા બરાયા કારાઘોઘા વચ્ચે શટલ ની ફાળવણી કરવામાં આવી હતી.જે છેલ્લા અઠવાડિયાથી ફરી બંધ કરાતાં વિદ્યાર્થીઓ ગિન્નાયા અને આજે બસો અટકાવાનું શરૂ કરતાં નિગમને બીજી બસ મોકલવાની ફરજ પડી. ઉપરોક્ત મુદ્દે મુન્દ્રા એસટીના ડેપો મેનેજર અરવિંદભાઈ બરંદાએ પૂરતા પ્રવાસીઓ ન મળતા હોવાથી તે રૂટની બસ સમાઘોઘા ખાતે દોડાવાઈ હોવા બાબત પર પ્રકાશ પાડતા કાલથી બરાયા ના છાત્રોની સમસ્યા નો હલ લાવવા સેવા પુનઃ રાબેતા મુજબ શરૂ કરવાનું જણાવ્યું હતું.