ગાંધીધામમાં જપ્ત કરાયેલા ગૌમાંસ કેસમાં વરનોરાના બે આરોપીને 7 વર્ષની સખત કેદ


ગાંધીધામમાં પાંચ વર્ષ પૂર્વે 360 કિલો ગૌવંશના માંસની હેરફેર કરતાં પકડાયેલા ભુજના નાના વરનોરાના સ્ત્રી-પુરુષને ગાંધીધામ કોર્ટે સાત વર્ષની સખત કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.
ગૌવંશની કતલ અને માંસ વેચતા લોકો માટે આ ધાક બેસાડતો ચુકાદો સાબિત થશે. 24-12-2017ની વહેલી સવારે 7 ક્લાકે ગાંધીધામમાં સુંદરપુરીના પાણીના ટાંકા પાસે પુર્વ બાતમી ના આધારે ગૌરક્ષકોએ મીની ટેમ્પો (છોટા હાથી)માં લઈ જવાતા ગૌમાંસનો જથ્થો પકડી પાડ્યો હતો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમના કાર્યકરો દ્વારા વાહન સાથે તેમાં સવાર ડ્રાઈવર જાકબ કેશેર મેમણ અને ફાતમાબાઈ અકબર મેમણને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ સોંપી દેવાયા હતા.
પોલીસે વાહનમાં રખાયેલા અલગ અલગ 8 કોથળામાંથી 360 કિલો માંસ જપ્ત કર્યું હતું. FSL વૈજ્ઞાનિક પરીક્ષણમાં આ માંસ ગૌવંશનું હોવાનું સાબિત થયું હતું. ગાંધીધામ પોલીસે બે આરોપી વિરુદ્ધ આઈ પી સી 295 એસ/ 429 114 , ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2011, પશુ કૃરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં આજે ગાંધીધામના અધિક સેશન્સ જજ એમ.જે. પરાશરે દ્વારા બંને આરોપીઓને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2011 અને 2017 અંતર્ગત સાત સાત વર્ષની કેદ અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરેલું વાહન રાજ્યસાત કરવા હુકમ કર્યો છે. જાકબને 7 વર્ષની સખત અને ફાતમાબાઈને 7 વર્ષની સાદી કેદની સજા કરાવામાં આવી છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ આર. ટી લાલચંદાણીએ દલીલો કરી તહોમત પૂરવાર કર્યું હતું.