કચ્છમાં ભારે વરસાદની આગાહી ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટાઓ 


કચ્છમાં હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર આજે પ્રથમ દિવસે જિલ્લાના ભુજ, નખત્રાણા, લખપત, ભચાઉ, માંડવી અને મુન્દ્રા તાલુકામાં છુટા છવાયા ઝાપટા પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. જ્યારે ભુજ શહેરમાં સમી સાંજે શરૂ થયેલો વરસાદ સાબેલાધારે રાત્રીના 9.50 સુધી અવિરત વરસતા ભાનુશાલી નગર, જ્યુબિલી સર્કલ અને જૂના બસ સ્ટેશન વિસ્તારના માર્ગો પર રાબેતા મુજબ પાણી ભરાઈ જવા પામ્યા છે. જ્યારે વરસાદના પગલે ગરમીમાં આંશિક રાહત ફેલાઈ છે. જોકે આગામી પીએમ મોદીના કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીને પણ અસર પહોંચી હતી.
મેઘરાજાએ આજે જિલ્લાના લખપત તાલુકાના વડામથક દયાપરમાં બપોર બાદ ઝરમરરૂપી વરસીને માર્ગો પર પાણી વહાવી દીધા હતા. તો તાલુકાના બરદા, માતાનામઢ, વિરાણી, બિટીયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ છુટા છવાયા ઝાપટા પડ્યા હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું. નખત્રાણા તાલુકાના રવાપર પંથકમા સવારથી ઝરમર શ્રાવણીયો વરસાદ ચાલુ થયો હતો. ધીમીધારે ઝરમર વરસાદ સાંજ સુધી ચાલુ રહ્યો હતો. આસપાસના નાગવીરી,નવાવાસ, ઘડાણી, વિગોડી,લીફરી,વાલ્કા નાના મોટા,આમારા,ખીરસરા, રામપર સર્વા સહિતમા સવારથી ઝરમર ઝાપટા પડ્યા હોવાનું હરેશ ધોલીએ જણાવ્યું હતું. નખત્રાણા અને તાલુકાના રસલીયા ગામે પણ વરસાદ થયો હોવાનું લખન દેસાઈએ કહ્યું. જ્યારે અંજાર શહેરમાં સામાન્ય ઝરમર છાંટા પડી રહ્યાનું પિયુષ આહિરે કહ્યું હતું. ભચાઉ તાલુકાના ચોબારી, મનફરા અને ખારોઈમાં પણ જોરદાર વરસાદી ઝાપટા પડતા માર્ગો પર જોશભેર પાણી વહી નિકળ્યાનું રાજુ ઉમરાણીયાએ જણાવ્યું.