કચ્છ કિસાન સંઘ 21 પડતર માંગણીઓ સાથે 25 ઓગસ્ટથી ગાંધીનગર મધ્યે ધરણાં પ્રદર્શન કરશે


ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને તા 25 ઓગષ્ટના ગાંધીનગર મધ્યે પોતાની 21 પડતર માંગણીઓને લઈ અચોક્કસ મૂદતની ધરણા યોજાશે. જેમાં વીજળી અને મહેસૂલને લગતા પ્રશ્નો સાથે રાજ્ય કક્ષાએ રજુઆત કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ કિસાન સંઘ પણ જોડાશે.
આ અંગે કિસાન સંઘે જણાવ્યું કે, સમાન વીજ દરના પ્રશ્નની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં હાલ ત્રણ પ્રકારના વીજદરથી ખેડૂતોને વીજળી મળે છે. 60પૈસા યુનિટ મીટર વાળા, 80 પૈસા યુનિટ મીટર વાળા અને ફિક્સ HP ટેરીફ. જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા અનેક જિલ્લાઓમાં જ્યા પાણીના તળ ઉંડા છે ત્યાં ફિક્સ HP કનેકશનના ખેડૂતોની સરખામણીમાં મીટર આધારિત કનેક્શન વાળા ખેડુતોને ત્રણથી ચાર ગણું વધુ બિલ ભરવું પડે છે. એક જ રાજ્યમાં ત્રણ પ્રકારે વિજદરથી વીજળી મળતી હોય એ માત્ર એક ગુજરાત રાજ્યમાં જ છે. તેથી ભારાતીય કિસાન સંઘની માંગ છે કે એક જ દરે ગુજરાત રાજ્યમાં વીજળી આપવમાં આવે.
આ માંગણી માટે કિસાન સંઘ દ્વારા છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવે છે અને છેલ્લા જાન્યુઆરી મહિનાથી તાલુકા કક્ષાએ ધરણા યોજ્યા છે. જિલ્લા મથકોએ પણ ધરણા કર્યા બાદ મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, નાણાં મંત્રી સાથે બેઠકો યોજી , પરંતુ આ અંગે ચોક્કસ ફેસલો ન આવતા હવે તા.25/8થી સમગ્ર ગુજરતાના ખેડૂતો ગાંધીનગર મધ્યે ઉમટી પોતાની માંગ મજબૂત રીતે રજૂ કરશે એવું ભચાઉ તાલુકા ભારતીય કિસાન સંઘના મંત્રી રાજેશ ઢીલાની યાદીમાં જણાવાયુ હતું.