રાપરમાં ચોરે ડબ્બામાં રાખેલા રોકડા રૂ. 50 હજારની ચોરી કરી, 10 હજાર મુકી દેતા તર્ક વિતર્કો વહેતા થયા


રાપરમાં ચોરીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં લારી પર કટલેરી વેચતા વ્યક્તિએ પોતાના મહેનતની કમાણીના રૂપિયા ઘરની ઓસરીમાં એક પ્લાસ્ટીકના ડબ્બામાં મુક્યા હતા. પરંતુ ચોરે ડબ્બામાં રાખેલા રૂ. 60 હજાર પૈકીના રૂ. 50 હજારની ચોરી કરી લીધી હતી. પરંતુ નવાઈની વાત તો એ છે કે સાથે જ રહેલા રૂ. 10 હજારના બંડલને હાથ પણ લગાવ્યો ન હતો.
આ અંગે રાપર પોલીસ મથકેથી માલી ચોકમાં રહેતા અને કટલરીની લારી ચલાવતા રમેશભાઈ શાંતિલાલ પુંજ (જૈન)એ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ઘરને તાળું મારીને લારી લઈ બજારે ગયા હતા. જે બાદ બપોરે ઘરે જમવા માટે પરત આવતા ચોરી થઈ હોવાનો અણસાર આવ્યો હતો.
જેથી તેમણે ઘરની ઓસરીમાં એક પ્લાસ્ટિકના ડબ્બામાં રૂ. 60 હજાર રૂપિયા રાખ્યાં હતા. જેમાં બે હજારની 5 નોટ, પાંચસોના દરની 80 નોટ અને 100ના દરની 100 નોટ હતી. તસ્કરો ડબ્બામાંથી બે હજાર અને પાંચસોની નોટ મળી પચાસ હજાર રૂપિયા ચોરી લીધા હતા પરંતુ 100ની નોટનો બંડલ યથાવત રાખી ગયા હતા.જેથી ફરિયાદીએ આ અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.