ઉંઝા પાસે જપ્ત કરાયેલા યુરિયા ખાતરની તપાસનો મુદ્દો ગાંધીધામ આવ્યો

મહેસાણા ઊંઝા હાઇવે પર ભાંડુ ગોડાઉન માંથી ઝડપાયેલા યુરિયા ખાતર ની તપાસનો મુદ્દો કચ્છના ગાંધીધામ પહોંચ્યો છે, LCB ની ટીમ ગાંધીધામની પ્લાયવુડ કંપનીમાં તપાસ અર્થે પહોંચી હતી. નોંધવુ રહ્યું કે પ્લાય ઉધોગમાં માત્ર ખેતી માટે ઉપયોગમાં લાવવા નિર્દેશીત યુરિયાનો ઉપયોગ થતો હોવાની ચર્ચા લાંબા સમયથી ઉઠતી હતી.

15 દિવસ પૂર્વે મહેસાણા LCB ની ટીમે ઊંઝા હાઈવે પર ભાંડુ ગામે આવેલા ગોડાઉન માંથી 667 થેલી યુરિયા ખાતરના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન ખાતરનો આ જથ્થો ગાંધીધામ વેચાણ માટે જતો હોવાનું બહાર આવતા LCB ના PSI રમેશભાઈ ચૌધરી અને તેમની ટીમે તાજેતરમાં ગાંધીધામના પડાણા સ્થિત એક પ્લાયવુડની કંપનીમાં તપાસ હાથ ધરી હતી.

જોકે LCB ની રડારમાં આવેલ વેપારી હાથ લાગ્યો ન હતો પરંતુ પોલીસની ટીમે કંપનીમાંથી તપાસ અર્થે વિવિધ દસ્તાવાજો કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ સબસીડી વાળા યુરિયા ખાતરનો દુરુપયોગ થતો હોવાનું મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે