વાલિયા-વાડી માર્ગ ઉપર કિમ નદીનો બ્રિજ જર્જરિત થતાં ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો

copy image

વાલિયાથી વાડી ગામને જોડતા માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદી ઉપર વર્ષ-1964-65માં બ્રિજનું નિર્માણ કરાયું હતું. આ બ્રિજ ઉપરથી વાલિયા વાડી, જંખવાવ થઈને માંડવી, સોનગઢ તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડે છે. આ માર્ગ ઉપર ચાલતા ભારે વાહનોને પગલે બ્રિજ હાલ અત્યંત જર્જરિત બની ચૂક્યો છે. જેથી બ્રિજના બંને છેડે 12 ટનથી વધુના ભારે વાહનો પર પ્રતિબંધના બોર્ડ અને બેરીકેટિંગ કરવામાં આવ્યું.


હાલમાં જ્યાં સુધી નવા બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી બ્રિજના બંને છેડે 12 ટનથી વધુ ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા અધિક કલેક્ટર એન.આર.ધાધલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને તારીખ-23મી ઓગસ્ટ 2022થી 22 ફેબ્રુઆરી 2023 સુધી બ્રિજ ઉપરથી 12 મેટ્રિક ટનથી વધુ ભારે વાહનોના અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. ત્યારે વાલીયાથી વાડી જતા ભારે વાહનોને નેત્રંગ થઈને વાડી તરફ જવા આદેશ કરાયો છે. તો વાડીથી વાલિયા તરફ આવતા ભારે વાહનોને નેત્રંગ થઈ વાલિયા માર્ગે જવાનું જણાવાયું છે.