મહેસાણાના મોટપમાં મધરાતે મકાનની દિવાલ થઈ ધરાશાયી, વિકલાંગ દંપતીનો થયો આબાદ બચાવ

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન એક ધારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદી મહોલના કારણે નાના મોટા નુકસાન થયા હોવાની પણ વિગતો સામે આવે છે. મહેસાણા નજીક આવેલા મોટપ ગામમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે વિકલાંગ દંપતીનો આબાદ બચાવ થયો છે.

હાલમાં મહેસાણા નજીક આવેલા મોટપ ગામમાં ગત મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે મોટપ ગામમાં રહેતા પટેલ સુરેશ રણછોડભાઈના મકાનની પાછળની દિવાલ એકાએક ધરાશાયી થઈ હતી. બનાવની જાણ આજુબાજુના લોકોને થતા લોકો પરિવારની મદદ કરવા માટે દોડી પહોચ્યા હતા. આ મકાનમાં રહેતું દંપતી વિકલાંગ હોવાની વિગતો સામે આવી. આ સમગ્ર બનાવમાં દંપતીનો આબાદ બચાવ થયો હતો. તેમજ ઘટના બાદ ગામના લોકોના ટોળેટોળા ઉમટી આવ્યા હતા.